ઘણા સમયથી રામાયણ હોવાથી લોકોમા ભારે રોષ
ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન વિસ્તાર નજીક રોડ પર પાણીનો બેફામ વેડફાડ થતો જોવા મળ્યો હતો. છેલ્લા ધણાં સમયથી પાણી પાણીની રેલમછેલ થતી હોય છે. આ રોડ પર બારેય માસ પાણીની નદી વહેતી હોય જાણે ચોમાસુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીંયા રોડ પર શાળા તેમજ કોલેજ આવેલી છે. વિધાર્થીઓને સવાર-સાંજ શાળાએ તેમજ ઘર તરફ જતી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અને વાહન ચાલકોને પણ રોડ પરથી અવરજવર દરમિયાન મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. અહીં રોડ પર પાણીની ગંગા વહેતી હોવાથી બાઇક સ્લીપ થવાથી અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે દરરોજ માટે પાણીનો બગાડ થતો હોવાને કારણે ક્યાંકને ક્યાંક નગરપાલિકાની ઢીલીનીતી દાખવતા હોવાથી પાણીની રેલમછેલ થઈ રહી છે. અગાઉ પ્રાંત અધિકાર પણ આ વિસ્તારની મુલાકાત કરી ચુક્યા છે. નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવામા આવી છે છતાંપણ પરીણામે શુન્ય. એકતરફ શહેરીજનોને પીવાનુ પુરતુ પાણી નથી મળતુ અહીંયા તો પાણીની બેફામ વેડફાડ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઉભી થયેલ હોવાથી લોકોએ પણ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાજુલા નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારે હાલમાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે પરંતુ વહિવટ નગરપાલિકા હોવાથી શહેરના પડતર પ્રશ્નો દુર થવા જોઇએ. અહીંયા વહીવટદાર નગરપાલિકાની કામગીરી માત્ર કાગળો પર જ તેમ લાગી રહ્યુ છે. ત્યારે વહીવટદાર નગરપાલિકા દ્વારા ગંભીરતા લઇ એસ.ટી બસ સ્ટેન્ડ નજીક રોડ પર પાણીનો વેડફાડ થતો અટકાવવા આવે તેવી શહેરજનોની માંગ ઉઠી છે.