રામ બે અક્ષરનો મહામંત્ર છે, રામને ભજવા માટે કોઈ વિધિની જરૂર નથી: રમેશભાઇ ઓઝા
માનવી ઘરડો થાય છે ત્યારે તેની તૃષ્ણા જુવાન થાય છે, એટલે જ ખૂબ દુ:ખી થાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા રાજકોટમાં રેસકોર્સ મેદાન- અયોધ્યા નગરીના સુશોભિત વિશાળ પરિસરમાં તા. 17 થી 24 જાન્યુઆરી દરમિયાન વિદ્વાન ભાગવત આચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા- ભાગવત કે રામનું આયોજન કરવામાં આવ્યું છે, ગઈકાલ તા. 19 તૃતીય દીને વિશાળ સંખ્યામાં શ્રોતાઓએ હાજરી આપીને, ભાગવતનું રસપાન કરીને ધન્યતા અનુભવી, તથા વિરામ બાદ શ્રોતા સમુદાય માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા છે.
તૃતીય દીને કથાના ઉપક્રમે પૂ. રમેશભાઈ ઓઝા એ ખૂબ જ સરળ કાઠીયાવાડી ભાષામાં ભાગવત અને રામનો મહિમા શ્રોતા સમુદાય સમક્ષ રજૂ કર્યો, તેમણે કહ્યું કે, માનવ જીવનમાં એવો ભય પણ આશીર્વાદરૂપ છે, જે શ્રીરામને શરણે લઈ જાય, માણસને અનેકનો ભય હોય છે… સમાજનો, કાનૂનનો. ભય ન હોય એટલે જ માણસ બગડે છે, આ બધું અનર્થને કારણે બને છે. ધર્મ, સમાજ અને રાજા આ ત્રણ સતા માનવી ઉપર શાસન કરે છે.
અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાનનું પ્રાગટ્ય જરૂરી છે, જ્ઞાન દેવા-લેવાની વસ્તુ નથી, પ્રગટે છે, જ્ઞાન ઢંકાઈ જાય છે ત્યારે મોહ થાય છે, રાવણ મોહ નું પ્રતીક છે, મોહ છે ત્યાં પાપ છે, ખોટી પ્રવૃત્તિઓ છે. પાપથી બચો, પાપ કરશો તો નર્ક ભોગવવું પડશે. માનવી આવી વાસના મુક્ત ન થાય ત્યાં જન્મ મરણમાંથી છુટકારો નહીં મળે, નર્કનું વર્ણન ગુરુપુરાણમાં છે. કામના, વાસના માનવીના મોટા શત્રુ છે, કામનાની પૂર્તિમાં ક્યારેક ક્રોધ અને ક્યારેક ભય રહે છે. કર્મથી દુ:ખી હોય તે સુખી થઈ શકે છે, સ્વભાવથી દુ:ખી હોય તે કદી સુખી ન થઈ શકે.
કથાના આગળના ઉપક્રમે શ્રીરામના બાણથી સમુદ્ર શરણે આવે છે અને સમુદ્ર રામને વિનંતી કરે છે કે, આપ સેતુ બાંધો, સમુદ્રના બોર્ડને સુકવી શકશો નહીં. આ માનવીય સમાધાન છે, રામ નોખા ન કરે, ભેગા કરે. રામસવના છે, બધાને જોડે છે, સેતુ બાંધવા માટે માનવી, વાનરસેના કામે લાગી ગઈ. રઘુવંશી ની અંદર રામના વખાણ કરે છે, વાલ્મિકી, વાલ્મિકી રામાયણ ના રામ આદર્શ કર્મયોગી છે, સૂર્ય અને ચંદ્ર પણ કર્મયોગી છે… ક્યારેય થાકતા નથી.
વ્યાસપીઠેથી કથા ઉપક્રમમાં પૂજ્ય રમેશભાઈએ કહ્યું કે, શ્રીમદ ભાગવત પરમ વિવેકી મહાપુરુષોની કથા છે, ભગવાન કરતાં ભક્તોના ચરિત્રનું વિશેષ મહત્વ છે. ભાગવત માતાઓના ત્યાગ અને બલિદાનની કથા છે. કેટલાક મહાપુરુષો, ઋષિઓ બોલે એ શાસ્ત્ર બની જાય છે. પ્રજોત્પતિપતિ વિકાર નથી સંસ્કાર છે. કામને પણ આ દેશમાં દેવ ગણ્યો છે, કામ ધર્મ સંમત છે. ધર્મ, સમાજ અને કાનૂન આ ત્રણ સત્તાઓ માનવ સમુદાયને વ્યવસ્થિત રાખે છે.
આજે સાંજે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને સાહિત્યકાર નારણ ઠાકર મનોરંજન પિરસશે
શ્રી રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા આયોજિત પરમ પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત કથા દરમિયાન સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તા.20 જાન્યુઆરીના રોજ ભાગવત સપ્તાહ સાથોસાથ રાત્રીના પ્રખ્યાત કલાકાર અને હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવેલા એવા શ્રી રાજભા ગઢવી પોતાની શૈલીમાં રેસકોર્સ મેદાન- અયોધ્યા નગરી ને વધુ રંગીલી બનાવશે. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી એ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે. તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે. લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે. તેમણે પ્રખ્યાત ગીત સાયબો રે ગોવાળીયોની રચના કરી છે, જે ગુજરાતી લોક ડાયરા માં ખુબ પ્રચલિત થયું છે. આવા પ્રખર સાહિત્યકારને માણવાનો લહાવો ચૂકવા જેવો નથી. ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે. પ્રખર સાહિત્યકાર એવા શ્રી નારણભાઈ ઠાકર પણ પોતાની સંતવાણીનો લાભ રાજકોટની જનતાને આપશે. ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા આ બન્ને કલાકારો ભાગવત સપ્તાહ ના ધાર્મિક માહોલને આ સંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાના સંગીત કૌશલ્યના સુર થી મઢશે.