‘લવ ઇન્ડિયા’ વેબીનારમાં મેજર જનરલ જી. ડી. બક્ષી,મેજર જનરલ વી. ડી. ડોગરા, કેપ્ટન રઘુરામન અને કર્નલ પી પી વ્યાસે જણાવ્યું, રાષ્ટ્રને કઈ રીતે ચાહી શકાય!
ભારતના સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજકોટના રામકૃષ્ણ આશ્રમ દ્વારા તારીખ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સાંજે ચાર થી છ દરમિયાન ‘લવ ઇન્ડિયા’ નામના ઓનલાઈન રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય સેનાના દેશ વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત નિવૃત્ત અધિકારીઓ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત મેજર જનરલ જી ડી બક્ષી, સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ રાકેશકુમાર શર્મા , તથા સેવા મેડલથી સન્માનિત મેજર જનરલ વી ડી ડોગરા, કેપ્ટન રઘુરામન અને કર્નલ પી પી વ્યાસે દેશ પ્રેમ વડે કઈ રીતે રાષ્ટ્ર સેવા કરી શકાય તે વિષે ખુબ જ પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યાં હતાં.
આ અંગે વિગતો આપતા સ્વામી નિખીલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે ,એક વખત અમેરિકામાં સ્વામી વિવેકાનંદના એક શિષ્ય મિસ જોસેફાઈન મેકલોડે સ્વામીજી ને પૂછ્યું હતું કે, તેમની સેવામાં શું કરવું જોઈએ ત્યારે સ્વામીજીએ તરત જવાબ આપ્યો હતો, “લવ ઇન્ડિયા ભારતને ચાહો!” સ્વામીજીનો આ સંદેશ અત્યારે ખૂબ જ સાંપ્રત છે. જો પ્રત્યેક દેશવાસી પોતાની માતૃભુમિને ચાહવા લાગે તો વર્તમાન સમયમાં આપણા દેશ સમક્ષની ભ્રષ્ટાચાર , રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય સુરક્ષા, ગરીબી, નિરક્ષરતા જેવી વર્તમાન સમસ્યાઓ ખૂબ આસાનીથી ઉકેલી શકાય. આ વિચારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા માટે અહર્નિશ કાર્યરત રહેતા નિવૃત લશ્કરી અધિકારીઓને લઈને ‘લવ ઇન્ડિયા’ નામનો વેબિનાર યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
દેશના ખૂણેખૂણેથી વેબિનાર માણી રહેલાં વિદ્યાર્થીઓ,નાગરિકો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે આ રીતે યોજાયેલા ટોચના નિવૃત લશ્કરી અધિકારીઓને સ્ક્રીન પર જોઈ રોમાંચિત થઇ ઉઠયા હતા. અનેક વિદ્યાર્થીઓએ આ વેબિનાર બાદ તેમનામાં જાગી ઉઠેલી દેશ પ્રત્યે કૈંક કરી છુટવાની લાગણીઓ વ્હોટ્સએપ મેસેજ વડે વ્યક્ત કરી હતી .
સ્વામી નિખીલેશ્વરાનંદજીએ વેબીનારનું સ્વાગત અને સમાપન પ્રવચન આપ્યું હતું. સમગ્ર વેબિનારનું સંકલન અને સંચાલન કર્નલ પી પી વ્યાસે કર્યું હતું, જયારે સ્વામી પ્રભુસેવાનંદજીએ આભારવિધિ કરી હતી. સમગ્ર વેબીનાર રામકૃષ્ણ આશ્રમની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.