શિક્ષણ સમિતિની કચેરીમાં ક્લાર્કનું કામ કરવા રોકાયેલા દોઢ ડઝન જેટલા શિક્ષકોને શાસનાધિકારી કિરીટસિંહ પરમારે ફરી શાળાએ જઈ વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીનો ચાર્જ ફરી કિરીટ પરમારે સંભાળી લીધો છે. ભ્રષ્ટ, વિવાદિત અને જ્ઞાતિવાદી નરેન્દ્ર આરદેશણાને ઈન્ચાર્જ શાસનાધિકારીમાંથી મુક્ત કરી દેવાયા છે. લાંબી માંદગી અને ચારેક મહિનાની રજા બાદ ફરજ પર પરત આવેલા શાસનાધિકારી કિરીટ પરમારે પહેલાં જ દિવસે સપાટો બોલાવી દીધો છે. શિક્ષણ સમિતિની કચેરીમાં ક્લાર્કનું કામ કરવા રોકાયેલા દોઢ ડઝન જેટલા શિક્ષકોને શાસનાધિકારી કિરીટ પરમારે ફરી શાળાએ જઈ વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ કર્યો છે. કિરીટ પરમારના મનમાં જાણે રામ વસ્યા હોય તેઓએ ફરી શાસનાધિકારીનો ચાર્જ સંભળતાંની સાથે જ વિદ્યાર્થીહિતમાં નિર્ણય કરતાં સૌ અચંબિત પણ થઈ ગયા છે.
શાસનાધિકારી કિરીટ પરમારે કરેલા કાર્યાલય આદેશમાં જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ કચેરીની તમામ શાખાની કામગીરીમાં રોકાયેલ તમામ શિક્ષકોને તારીખ:28-10-2025ના રોજથી કચેરી કામગીરીમાંથી મુકત કરવામાં આવે છે.
આ તમામ શિક્ષકોએ તારીખ:29-10-2025થી પોતાની શાળામાં ફરજ બજાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધી આશરે દોઢ ડઝન જેટલા શિક્ષકો શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષણ સમિતિની કચેરીમાં વહીવટી કામકાજ કરવા રોકાયેલા હતા. હવે તેઓને કચેરીની કામગીરીમાંથી મુક્ત કરતાં ફરી તેઓ પોતપોતાની શાળામાં જઈને વિદ્યાર્થીઓને ભણાવી શકશે.
- Advertisement -
શાસનાધિકારી કિરીટ પરમારના દોઢ ડઝન જેટલા શિક્ષકોને કચેરીના કામકાજમાંથી મુક્ત કરવાના નિર્ણયની હાલ પ્રશંસા થઈ રહી છે. જોકે આ નિર્ણય પાછળ તેમનું શું ગણિત છે તે તો સમય જ જણાવશે પરંતુ હાલ તો આજ સુધી કેટલીક શાળામાં જે હજારો વિદ્યાર્થીઓનું ભણવાનું બગડતું હતું તે અટકી જશે અને પંદરથી વીસ જેટલા વર્ગ પણ સચવાઈ જશે. આમ તો શાસનાધિકારી કિરીટ પરમારે આ નિર્ણય વહેલો કરવાની જરૂર હતી પરંતુ હજુ પણ કંઈ મોડું થયું નહતું આથી વિદ્યાર્થીહિતમાં લેવાયેલા તેમના નિર્ણયને સૌ આવકારી રહ્યા છે.



 
                                 
                              
        

 
         
        