કોર્ટ સમક્ષ અનેક પુરાવાઓ રજૂ કર્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
રામજન્મભૂમિ વિવાદમાં જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ગુરુ રામભદ્રાચાર્યજીને ભગવાન રામના જન્મસ્થળ વિશે શાસ્ત્રીય અને વૈદિક પુરાવાઓ માટે પૂછ્યું ત્યારે તેમણે અથર્વવેદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અથર્વવેદના દસમા કાંડના એકત્રીસમા અનુવાકના બીજા મંત્રને ટાંકીને ભગવાન રામના જન્મની વૈદિક સાબિતી આપી. આ ઉપરાંત તેમણે ઋગ્વેદની જૈનીય સંહિતાનું ઉદાહરણ પણ આપ્યું હતું જેમાં રામજન્મભૂમિનું સ્થાન સરયુ નદીના ચોક્કસ સ્થાનથી દિશા અને અંતરની ચોક્કસ વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે. આ વેદની તપાસ કરતા તેમણે આપેલી વિગતો સાચી હોવાનું જાણવા મળ્યું હતું.
- Advertisement -
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યજીનો જન્મ 1950માં મકરસંક્રાંતિના દિવસે ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એક સરયુપરીન બ્રાહ્મણ પરિવારમાં થયો છે. જગદગુરુ રામભદ્રાચાર્યજીએ માત્ર બે મહિનાની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવ્યા પછી પણ ત્રણ-ચાર વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું કરવાનું શરૂ કર્યું હતું અને આઠ વર્ષની નાની ઉંમરે તેમણે ભાગવત અને રામકથા કરવાનું શરૂ કર્યું હતું. અનુસંધાન પાના.નં.10 ઉપર
બાગેશ્ર્વર બાબાના પણ ગુરુ રામભદ્રાચાર્ય
બાગેશ્ર્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ચર્ચામાં છવાયેલા રહ્યા હતા. ભારતભરમાં દરબાર લગાવ્યા બાદ તેમના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઘણા લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા છે તો ઘણા લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે થોડા સમય પહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશે તેમના ગુરૂ રામભદ્રચાર્યજીએ એક નિવેદન આપ્યું હતું. ગુરુએ પોતાના શિષ્ય માટે કહ્યું હતું કે, મારો શિષ્ય ચરિત્રહીન નથી, ચમત્કારી છે. ગુરુ રામભદ્રચાર્યજીએ તેમના શિષ્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે કહ્યું હતું કે, તેને પરંપરાથી જે પ્રસાદ મળ્યો છે તે તેનું વિતરણ કરે છે. કઈ ભૂલ કરે છે બિચારો? વિવાદ એટલા માટે ઉભા થાય છે કારણ કે સારા લોકોની ઉન્નતિ કેટલાક જોઈ નથી શકતા. તે નાનકડો 26 વર્ષનો બાળક છે તેનો ઉત્કર્ષ અમુક જોઈ નથી શકતા. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશે તો સૌ કોઈ જાણવા લાગ્યા છે પણ તેમના ગુરુ રામભદ્રચાર્યજી વિશે બહુ ઓછા લોકો જાણે છે.
માત્ર બે મહિનાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી દીધી હોવા છતાં શાસ્ત્રો, પુરાણો, ભગવદ્દ ગીતા, રામાયણ અને અનેક ગ્રંથો કંઠસ્થ!
- Advertisement -
રામભદ્રાચાર્યજી ચિત્રકૂટમાં રહે છે. તેમનું સાચું નામ ગિરધર મિશ્રા છે. તે વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી, બહુભાષી, લેખક, ઉપદેશક, ફિલસૂફ અને હિંદુ ધાર્મિક નેતા છે. તેઓ રામાનંદ સંપ્રદાયના હાલના ચાર જગદગુરુઓમાંના એક છે અને 1988થી આ પદ સંભાળે છે. તેઓ ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્યજી વિકલાંગ યુનિવર્સિટીના સ્થાપક છે. તેઓ આ યુનિવર્સિટીના આજીવન ચાન્સેલર પણ છે. એટલું જ નહીં, રામભદ્રાચાર્યજીએ જ સુપ્રીમ કોર્ટમાં રામલલાના પક્ષમાં વેદ પુરાણના સંદર્ભ સાથે નિવેદન આપ્યું હતું જે રામ મંદિર કેસમાં ખૂબ જ મહત્વનું અને ઉપયોગી સાબિત થયું હતું.જગદગુરુ રામભદ્રાચાર્યજીએ ચિત્રકૂટમાં તુલસીપીઠની સ્થાપના કરી છે. તેઓ રામકથાના વાચક તરીકે ખૂબ જ લોકપ્રિય છે. નાની ઉંમરથી અંધ હોવા છતાં રામભદ્રાચાર્યજી 22 ભાષાઓના જાણકાર છે અને અત્યાર સુધીમાં 200 કરતા વધુ ગ્રંથોની રચના કરી ચૂક્યા છે.
રામભદ્રાચાર્યજીએ હનુમાન ચાલીસામાંથી ચાર ભૂલ શોધી કાઢી છે!
રામભદ્રાચાર્યજીએ તુલસીકૃત હનુમાન ચાલીસાના ચાર શ્લોકોમાં ચાર અચોક્કસતા કહી છે. તેઓને સુધારવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું. હનુમાન ચાલીસામાં રહેલી ભૂલો અગેના તેમના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો હતો. રામભદ્રાચાર્યજી કહેતા રહ્યા છે કે, હનુમાન ભક્તોએ ચાલીસાની ચોપાઈનો યોગ્ય રીતે જાપ કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે, ‘શંકર સુવન કેસરી નંદન’ એક ચાલીસામાં છપાયેલું છે, જ્યારે તે ‘શંકર સ્વયં કેસરી નંદન’ હોવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે હનુમાનજી સ્વયં ભગવાન શિવના અવતાર છે. તે શંકરજીના પુત્ર નથી. તેથી જ ચોપાઈમાં છપાયેલ ‘સુવન’ અશુદ્ધ છે. આ ઉપરાંત ચોપાઈમાં ’રામ રસાયન તુમ્હારે પાસ આ સદા રહો રધુવર કે દાસ…’ બદલે ‘સાદર રહો રઘુપતિ કે દાસા.’ હોવું જોઈએ. આ ઉપરાંત ચોપાઈમાં ‘સબ રામ તપસ્વી રાજા’ને બદલે ‘સબ પર રામ રાજ ફિર તાઝા’ હોવું જોઈએ. ચોથી અયોગ્યતા વિશે તેમણે કહ્યું છે કે, ‘જો સત બાર પાઠ કર કોઈ’ને બદલે ‘યે સત બાર પાઠ કર જોહી’ હોવું જોઈએ.
રામભદ્રાચાર્યજીએ 441 પુરાવાઓએ આપ્યા જેમાંથી 437 પુરાવાઓએ સાબિત કર્યું કે અયોધ્યા જ છે ભગવાન શ્રીરામની જન્મભૂમિ
જગતગુરુ રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર હોવાના 441 પુરાવા કોર્ટને આપવામાં આવ્યા છે. જેમાંથી 437 પુરાવાઓ સચોટ સાબિત થયા છે. પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરતા રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે શ્રીરામના જન્મની માહિતી વાલ્મીકિ રામાયણના બાલખંડના આઠમા શ્લોકથી શરૂ થાય છે. આ સચોટ પુરાવો છે. આ પછી સ્કંદ પુરાણમાં રામનું જન્મસ્થળ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે રામ જન્મભૂમિથી 300 ધનુષના અંતરે સરયુ માતા વહી રહી છે. ધનુષ્ય ચાર હાથનું હોય છે. આજે પણ માપવામાં આવે તો સરયુ નદી જન્મ સ્થળથી સમાન અંતરે વહેતી જોવા મળશે. આ પહેલા અથર્વવેદના દસમા કાંડના 31માં અનુ વાક્યના બીજા મંત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 8 ચક્રો અને નવ મુખ્ય દ્વારોવાળી શ્રી અયોધ્યામાં દેવતાઓનો વાસ છે. એ જ અયોધ્યામાં મંદિરનો મહેલ છે. ભગવાન સ્વર્ગમાંથી તેમાં આવ્યા છે. એટલું જ નહીં, વેદોમાં પણ રામના જન્મના સ્પષ્ટ પુરાવા છે. ઋગ્વેદના દશમ મંડળમાં પણ આનો પુરાવો છે. રામચરિતમાનસમાં તે ખૂબ જ સ્પષ્ટ રીતે લખાયેલું છે. તુલસીશતકમાં કહેવાયું છે કે બાબરના સેનાપતિઓ અને દુષ્ટ યુવાનોએ રામજન્મભૂમિના મંદિરને તોડીને મસ્જિદ બનાવી અને ઘણા હિંદુઓની હત્યા કરી. તુલસીદાસે પણ તુલસીશતકમાં આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મંદિર તોડ્યા પછી પણ હિન્દુ સાધુઓ રામલલાની સેવા કરતા હતા. આમ, રામભદ્રાચાર્યજીના પુરાવાઓએ રામજન્મભૂમિ કેસમાં કરોડો હિંદુઓની આસ્થાને વિજય અપાવ્યો હતો.
22 ભાષાના જાણકાર છે જગદગુરુ રામભદ્રાચાર્ય: 200 કરતા વધુ ગ્રંથોની રચના કરી
ગુરુ રામભદ્રાચાર્યજીએ કુલ ચાર મહાકાવ્યોની રચના કરી છે, જેમાં બે સંસ્કૃતમાં અને બે હિન્દીમાં છે. ભારતમાં તુલસીદાસના શ્રેષ્ઠ નિષ્ણાતોમાં તેમની ગણતરી થાય છે. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુરુ રામભદ્રાચાર્યજીના શિષ્ય છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો પર વિવાદ વધ્યો છે ત્યારે તેમના ગુરુ રામભદ્રાચાર્યે તેમનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યજી પાસે છે અનેક ઉપલબ્ધિ
રામભદ્રાચાર્યજીને તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવ્ય વ્યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હિંદી, અંગ્રેજી, ફ્રેંચ તેમજ ભારતની પ્રાદેશિક ભાષાઓ જેવી કે ભોજપુરી, મૈથિલી, ઊડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી, માગધી, અવધી અને વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે વિદ્યાર્થી અવસ્થાથી જ લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ‘આઝાદ ચંદ્રશેખર ચરિતમ્’ (1975) તેમની પ્રથમ રચના છે. સંસ્કૃતમાં : ‘પ્રસ્થાનત્રયીભાષ્યમ્’, ‘નારદભક્તિસૂત્ર’, ‘રામસ્તવરાજ’, ‘ભૃંગદૂતમ્’, ‘સરયૂલહરી’, ‘રાઘવાભ્યુદયમ્’ તથા હિંદીમાં : ‘અરુંધતી મહાકાવ્ય’, ‘કાકા વિદુર’, ‘માઁ શબરી’ (કાવ્ય), ‘માનસ મેં તાપસ પ્રસંગ’, ‘સીતાનિર્વાસન નહીં’ (વિવેચન), ‘ભરતમહિમા’, ‘તુમ પાવક મઁહ કાહુ નિવાસા’ અને ‘માનસ મેં સુમિત્રા’ (પ્રવચન) તેમની પ્રમુખ કૃતિઓ છે. રામભદ્રાચાર્યજીને ભારતના રાષ્ટ્રપતિ, લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ (નવી દિલ્હી), પાર્લમેંટ ઑવ્ રિલિજન્સ (શિકાગો), ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન, મધ્યપ્રદેશ સંસ્કૃત અકાદમી તથા સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય (વારાણસી) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ જગદગુરુ રામભદ્રાચાર્યજી હેંડીકેપ્ડ યુનિવર્સિટીના સ્થાપક છે. વળી તેમણે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્થાપી છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ મહાકાવ્યમાં તેમણે પ્રશિષ્ટ શૈલી અપનાવી છે અને પોતાના વિચારો સબળ રીતે રજૂ કર્યા છે. એમની આલંકારિક રીતિ માઘ કવિની યાદ તાજી કરાવે છે. તેમની આ કૃતિમાં વ્યાકરણ, છંદ:શાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર-વિષયક સંદર્ભોના સૂઝપૂર્વકના વિનિયોગના કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય મહાકાવ્ય રૂપે એક મહત્ત્વનું પ્રદાન છે.
રામભદ્રાચાર્યજીને રાજકોટ સાથે છે વર્ષો જૂનો સંબંધ
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિર આવેલું છે. એક સમયે આ મંદિર બાજુમાં જ શ્રી ગીતા જ્ઞાન મંદિર પ્રાથમિક શાળા કાર્યરત હતી. રામભદ્રાચાર્યજી ગીતા મંદિર ટ્રસ્ટ સંચાલિત શાળામાં દર વર્ષે આવતા હતા અને બાળકો સાથે ગીતા જયંતિની ઉજવણી કરતા હતા. ગીતા મંદિર દ્વારા શાળાના પટાંગણમાં જ તેમની કથા આયોજિત કરવામાં આવતી હતી. આજે ગીતા મંદિર સામે જે ગીતા હોલ આવેલો છે ત્યાં રામભદ્રાચાર્યજી રહેતા હતા, તેઓ એ સ્થળ પર દિવસે કથા કરતા હતા અને સાંજના સમયે શાળાના બાળકો જે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરતા તેમને બિરદાવવા હતા. જ્યારે-જ્યારે રામભદ્રાચાર્યજી રાજકોટ આવતા હતા ત્યારે-ત્યારે તેમની સાથે ગીતા દેવી પણ હાજર રહેતા હતા. રામભદ્રાચાર્યજી અનેક વખત રાજકોટ આવી ચૂક્યા છે.