ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પરથી આજે મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઠારિયા પાસે રોજી રોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવામાં આવતા નથી. આથી આ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ફાળવી કડિયા કામ કરતા લોકોને એકઠા થવા દેવા માગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી સાંજના 6.30થી 9 વાગ્યા સુધી કડિયા કામ, લાદી કામ, ચણતર કામ સહિતની મજૂરી કામ કરતા લોકો કોઠારીયા રોડ પર સ્વિમિંગ પુલ બાજુની શેરીમાં ઉભા રહી રોજીરોટી માટે એકઠા થતા હતા. જેને છેલ્લા 15 દિવસથી ઉભા રહેવા દેવામાં આવતા નથી અને રોજીરોટી મળવી મુશ્કેલ થાય છે ત્યારે આ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં જ ઉભા રહેવા દેવામાં આવે તેવી માગ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ 10થી 12 બેઠક પર કડિયા સમાજનું પ્રભુત્વ હોવાથી સમાજને ન્યાય આપવામાં આવે અને યોગ્ય વ્યક્તિને પ્રભુત્વ સોંપવામાં આવે તે માટે લોકશાહી ઢબે દરેક પક્ષ પાસે માગ કરવામાં આવશે.
કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા ન દેતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની રેલી
