ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી બહેનો વહેલી સવારથી જ જેલ ખાતે પહોંચી ગઈ હતી અને રજિસ્ટ્રેશન માટે કતાર લગાવી હતી. બાદમાં જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચૌધાર આંસુએ રડી પડી હતી. કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતુ તો કોઈ કેદીએ બહેન કે માતાની આંખમાં આંસુ જોઈને પોતે કરેલા ગુના પ્રત્યે અફસોસ કરી રહ્યા હતા. પોતાના ભાઈને બહેન યોગ્ય રીતે મળી શકે અને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી ઉજવણી કરે તે માટે જેલ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જેલમાં રહેલી કેદીઓના આરોગ્ય ન બગડે તે માટે બહેનો મીઠાઈ અને ફરસાણ જેલ તંત્ર દ્વારા બહાર સ્ટોલ લગાવી ખરીદી માટે મૂકવામાં આવ્યું હતું. અહીં અલગ અલગ વેરાઈટીના ફરસાણ અને બરોડા ડેરી દ્વારા શુદ્ધ મીઠાઈ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરવામાં આવી હતી.
- Advertisement -
અગ્નિકાંડના આરોપી સાગઠિયાએ મીડિયાથી મોં છૂપાવ્યું
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને પણ તેમની બહેનો રાખડી બાંધવા આવી હતી. જેમાં TRPગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાને તેમની 3 બહેન રાખડી બાંધવા આવી હતી. શરૂઆતમાં સાગઠીયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતા હતા પરંતુ બાદમાં બહેન રાખડી બાંધવા આવતા સાગઠીયાએ મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું. પોલીસે સાગઠીયાને કહેતા તેઓ સીધા ઉભા રહ્યાં હતાં અને બાદમાં તેમને ત્રણેય બહેનો જ્યારે રાખડી બાંધવા માટે આવી ત્યારે બહેનો રડવા લાગી હતી. આ ઉપરાંત મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની બહેન તેને રાખડી બાંધવા આવી ત્યારે તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.