ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક સમા રક્ષાબંધનનો તહેવાર શનિવારે, 9 ઓગસ્ટે આવી રહ્યો છે, ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં વેપારીઓએ ₹95 લાખથી વધુની રાખડીનું વેચાણ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
મોરબીની બજારમાં આ વર્ષે 2,000થી વધુ વેરાયટીની રાખડીઓ ઉપલબ્ધ છે. સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, ₹1થી લઈને ₹800 સુધીની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે, જોકે મોટાભાગના લોકો ₹150 થી ₹200ની રેન્જવાળી રાખડીઓ પસંદ કરી રહ્યા છે. સોની વેપારીએ જણાવ્યું કે આ વર્ષે ચાંદીની રાખડીની ડિમાન્ડ ખૂબ વધારે છે, જેમાં અંદાજે ₹12 થી ₹14 લાખનું વેચાણ થશે. ભાઈઓ પણ બહેનોને ગિફ્ટ આપવા માટે ચાંદીની ₹500, ₹1000 અને ₹2000ની નોટ ખરીદી રહ્યા છે.
- Advertisement -
બાળકો માટે છોટા ભીમ, ડોરેમોન, સ્પાઈડર મેન જેવા કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ અને લાઈટવાળી રાખડીઓ વધુ વેચાઈ રહી છે, જેની કિંમત ₹40 થી ₹60 સુધીની છે. ભાભી માટે ખાસ મોર ટાઈપની રાખડીઓની પણ ડિમાન્ડ વધુ છે, જે ₹60 થી ₹500 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. મીઠાઈના વેપારીએ જણાવ્યું કે, રક્ષાબંધન નિમિત્તે મોરબી શહેરમાં અંદાજે 2,500 કિલોગ્રામ મીઠાઈનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાં સૌથી વધુ પેંડા અને કાજુકતરીની માંગ છે.મોરબી ઉદ્યોગ ક્ષેત્રે પ્રખ્યાત હોવાથી પરપ્રાંતીય લોકો પણ મોટી સંખ્યામાં તહેવારની ખરીદીમાં ફાળો આપી રહ્યા છે, જેના કારણે વેપારમાં વધારો થયો છે.