કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યાનો આરોપ
કોંગ્રેસે ગૃહમંત્રી પર સોનિયા ગાંધીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો
- Advertisement -
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગુરુવારે (27 માર્ચ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેના વિશેષાધિકાર ભંગની નોટિસને ફગાવી દીધી છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે બુધવારે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. અમિત શાહ પર ઉપલા ગૃહમાં એક બિલ અંગે પ્રતિક્રિયા આપતા સમયે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યાનો આરોપ હતો.
સોનિયા ગાંધીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ
આ વિશેષાધિકાર ભંગની નોટિસ રાજ્યસભા કાર્યપદ્ધતિના નિયમોના નિયમ ૧૮૮ હેઠળ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન સોનિયા ગાંધીનું નામ લીધા વિના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (NPMRF)ની કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે ગૃહમંત્રી પર સોનિયા ગાંધીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
- Advertisement -
જયરામ રમેશે શું આરોપ લગાવ્યો?
જયરામ રમેશે કહ્યું કે અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન ફક્ત એક જ પરિવારનું નિયંત્રણ હતું. અને કોંગ્રેસ પ્રમુખ તે પરિવારનો ભાગ હતા. તેમણે એમ પણ કહ્યું કે, શાહના નિવેદનનો અભ્યાસ કર્યા પછી એ સ્પષ્ટ થાય છે કે ગૃહમંત્રીએ સોનિયા ગાંધીનું નામ લીધું ન હતું, પરંતુ તેમણે પરોક્ષ રીતે તેમનો ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું હતું કે ગૃહના કોઈપણ સભ્યનો અપમાનજનક ઉલ્લેખ કરવો એ વિશેષાધિકારનો ભંગ છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ સોનિયા ગાંધીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી પાયાવિહોણા આક્ષેપ કર્યા હતા.
અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ 2024 પર ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે, પીએમ રિલીફ ફંડ કોંગ્રેસના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના શાસન દરમિયાન આ ભંડોળ ફક્ત એક જ પરિવાર દ્વારા નિયંત્રિત હતું.