ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.3
રાજુલા પંથકમાં અવિરત વરસાદને પગલે રાજુલા તાલુકાના હિંડોરણા ગામમાં વરસાદી પાણી ભરાયા હતાં. હિંડોરણા ગામમાં પાણી ભરાતા ગ્રામજનોની કફોડી હાલત બની છે. અહીં રહેતા લોકોને પાણીમાંથી પસાર થઇને અવરજવર કરવાનો વારો આવ્યો છે. સાથોસાથ બાળકોને પણ પાણીમાંથી પસાર થઈને શાળાએ જવુ પડી તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. નેશનલ હાઇવે દ્વારા ઉંચો સર્વિસ રોડ બનાવેલ હોવાથી હિંડોરણા ગામમાં પાણી ભરાય આવે છે. અને પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોએ નેશનલ હાઈવે સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અતિભારે વરસાદ પડે તો 30 જેટલા ઘરોમાં વરસાદના પાણી ભરાય તેવી શક્યતા વર્તાય રહી છે.
- Advertisement -
આ બાબતે અવારનવાર સરપંચ હરસુરભાઇ પટાટ સહિત ગામના લોકોએ નેશનલ ઓથોરીટી, કલેક્ટરને લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી છતાપણ કોઇ નિરાકરણ ન આવ્યું. અને દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રામજનો આ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે વહેલામા વહેલી તકે આ વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ કરવા તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.