મધ્યપ્રદેશના બે આરોપીઓ ઝડપાયા, રાજુલા-બરવાળા-કડીમાં થયેલી ચોરીઓનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પોલીસ ટીમે સરાહનીય કામગીરી કરી છે. રાજુલા શહેર સહિત બોટાદ જિલ્લાના બરવાળા અને મહેસાણા જિલ્લાના કડીમાં થયેલી ત્રણ અલગ-અલગ ચોરીઓનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
- Advertisement -
રાજુલાની એસબીઆઈ બેંકમાં 4 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સોએ કેશિયરના ડ્રોઅરમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી હતી. બરવાળાની બેંક ઓફ બરોડામાં એક ગ્રાહક પાસેથી રૂ.2 લાખની રકમ ઉઠાવી લેવામાં આવી હતી, જ્યારે કડીમાં એક વ્યક્તિની એક્ટિવા સ્કૂટરની ડેકી તોડી રૂ.4 લાખની ચોરી કરવામાં આવી હતી. ત્રણેય ગુનામાં કુલ રૂ.7.50 લાખની ચોરી થઈ હતી.
રાજુલા પોલીસના પીઆઈ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે છ દિવસ સુધી શહેર, હાઈવે તથા હોટેલ-ઢાબાના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સાથે જ નેત્રમ કમાન્ડ કંટ્રોલ અમરેલી-ભાવનગર અને ત્રિનેત્રમ ગાંધીનગરની મદદથી આરોપીઓના રૂટની ઓળખ કરવામાં આવી હતી. ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયાસાસી ગામના રહેવાસી આરોપી રાજેન્દ્ર ધપાણી અને બતાવસિંહ સિસોદિયાને ઝડપી પાડ્યા હતા.
બન્ને આરોપીઓ પાસેથી ત્રણેય ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરીને કુલ રૂ.7.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ આર.એલ. રાઠોડ સહિત મધુભાઈ પોપટ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ વાળા, મનુભાઈ માંગાણી, સુરેશભાઈ મેર, હરેશભાઈ કવાડ, ચંદ્રેશભાઈ કવાડ અને પૃથ્વીરાજસિંહ ચાવડા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.



