વરસાદની ખેંચને કારણે 13 ગામોના પાકને નુકસાન થવાનો ભય; ખેડૂતોના
હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
રાજુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા ધાતરવડી સિંચાઇ-1 ડેમનું ઓવરફ્લો થયેલું પાણી કેનાલમાં છોડવા માટે ધારાસભ્ય અને કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ હાલ વરસાદની ખેંચના કારણે સુકાઈ રહેલા પાકને બચાવવાનો છે.
- Advertisement -
જીગ્નેશભાઈ પટેલે તેમના પત્રમાં જણાવ્યું છે કે, ધાતરવડી સિંચાઇ-1 ડેમ હેઠળ આવતા ગામોના ખેડૂતોએ તેમને મૌખિક રજૂઆત કરી છે કે ડેમનું ઓવરફ્લોનું પાણી દરિયામાં વહી રહ્યું છે. હાલ વરસાદની ખેંચ હોવાથી ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા પાકને પાણીની તાતી જરૂરિયાત છે. જો આ ઓવરફ્લોનું પાણી કેનાલમાં છોડવામાં આવે, તો કેનાલ વિસ્તાર હેઠળ આવતા અંદાજે 13 જેટલા ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે.
આ ગામોમાં ધારેશ્વર, દિપડીયા, નાના રીગણીયાળા, નવી-જુની માંડરડી, વડલી, ચારોડીયા, રાજુલા, ઝાંઝરડા, કુંડલીયાળા, બર્બટાણા, વાવેરા અને જાપોદરનો સમાવેશ થાય છે. આ ગામોના ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી, સોયાબીન વગેરે પાકને પાણી મળી રહેવાથી તેમને બચાવી શકાશે.
પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે ખેડૂતોના હિતમાં વહેલી તકે ધાતરવડી સિંચાઇ-1 ડેમનું ઓવરફ્લોનું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરી છે, જેથી ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવી શકાય.