ધર્મેશએ બનાવેલી કંકોત્રી 10 ફૂટ ઉંચી અને 3 ફૂટ પહોળી છે!
આ પ્રકારની અનોખી કંકોત્રી બનાવવા માટે અંદાજે રૂપિયા 7 થી 8 હજારનો ખર્ચો થયો છે તેમજ આ કંકોત્રી બનાવવા માટે કેનવાસ પેપર અને કલરનો ઉપયોગ કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી બાદ સારા મુહૂર્ત શરૂ થતાં લગ્ન પ્રસંગનો સમય આવતો હોય છે. ત્યારે રાજકોટના યુવાને પોતાના લગ્ન માટે એક અનોખી કંકોત્રીનું નિર્માણ કર્યું છે. આ યુવાને રાજાશાહી સમયમાં જે પત્રિકા કંકોત્રી આવતી હતી તે પ્રકારની કંકોત્રીનું નિર્માણ કર્યું છે. જે 10 ફૂટ લાંબી છે અને ત્રણ ફૂટ પહોળી છે. જ્યારે હાલ આ પ્રકારની કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટમાં અનોખી કંકોત્રી બનાવનાર ધર્મેશ કાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા લગ્નની કંકોત્રીની સાઈઝ 10 ફૂટ લાંબી અને 3 ફૂટ પહોળી છે. પહેલાના સમયમાં રાજાશાહી વખતમાં જે પ્રકારે લગ્નની પત્રિકા બનાવવામાં આવતી હતી તે પ્રકારની કંકોત્રીનું નિર્માણ કર્યું છે. જ્યારે આ પ્રકારની અનોખી કંકોત્રી બનાવવા માટે અંદાજે રૂપિયા 7 થી 8 હજારનો ખર્ચો થયો છે. તેમજ આ કંકોત્રી બનાવવા માટે કેનવાસ પેપર અને કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંકોત્રી બનાવવા માટે અંદાજિત આઠ દિવસ જેટલો સમય લાગ્યો હતો. ધર્મેશ વધુમાં જણાવ્યું હતું કે, આ કંકોત્રી આગામી 7 ડિસેમ્બરના રોજ ખુલ્લી મુકવામાં આવનાર છે. ધર્મેશે પોતાના ઘરે જ આ આખી કંકોત્રી તૈયાર કરી છે. જેમાં તેને પોતાના લગ્નની તારીખ સહિત કંકોત્રીમાં જે પ્રકારે લખાણ હોય છે તે તમામ માહિતી લખી છે. હાલમાં આ અનોખી કંકોત્રી રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ધર્મેશે પાણીમાં રંગોળી બનાવીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે હવે તેને આ પ્રકારની અનોખી કંકોત્રી તૈયાર કરી ફરી આકર્ષણ જમાવ્યું છે.
ધર્મેશ કાળા નામનો યુવક હાલ રાજકોટમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પરંતુ તેને પોતાના લગ્ન માટે આ અનોખી કંકોત્રી સાથે એક પુસ્તક પણ લખ્યું છે. આ કંકોત્રી લોકો સમક્ષ મૂકવામાં આવશે તે જ દિવસે પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે. હાલ તો આ પ્રકારની રાજાશાહી વખતની અનોખી કંકોત્રી તૈયાર કરીને ધર્મેશ ચર્ચામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેશ અવનવી વસ્તુઓનો નિર્માણ કરવાનો શોખ ધરાવે છે. જ્યારે આ અગાઉ પણ તેને પાણીમાં રંગોળી તૈયાર કરી હતી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે હવે તેને પોતાના જ લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી છે.