રાજકોટની વૉકહાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં
ઓપરેશન બાદ દર્દીની હાલત બગડી હોવાનો આક્ષેપ, વાની તકલીફ છે તેનો દુ:ખાવો છે : ડૉક્ટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકીત વૉકહાર્ટ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સર્જાયો છે. એક પરિવાર દ્વારા હોસ્પિટલે તેની સાથે છેતરપિંડી કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં પરિવારનો આક્ષેપ છે કે, દર્દીની ગાદીની સર્જરી કર્યા વગર જ રૂપિયા પડાવી લીધા છે. સર્જરીનું કહ્યા બાદ દર્દીની વધારે હાલત બગડી છે, જો કે આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા આક્ષેપોને ફગાવ્યા છે અને દર્દીની આ હાલત કમરના વાના દર્દને કારણે હોવાનો દાવો કર્યો હતો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વૉકહાર્ટ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. વર્ષ 2023માં જુલાઇ મહિનામાં ઉપલેટાના કિરણબેન ગંભીરને પગનો અસહ્ય દુ:ખાવો હતો. જે બાદ વૉકહાર્ટ હોસ્પિટલના ડો. કાંત જોગાણીએ યુવતીને ગાદીનું ઓપરેશન કરાવવા સલાહ આપી હતી. જે બાદ પરિવાર દ્વારા 24 વર્ષીય કિરણબેનનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ ઓપરેશન બાદ દર્દીની હાલત વધારે બગડી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિવાજનોનું કહેવું છે કે, જ્યારે અમદાવાદના તબીબ પાસે તપાસ કરાવી તો આ યુવતીનું ઓપરેશન યોગ્ય રીતે થયું નથી તેવું કહ્યું હતું. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, એમઆરઆઇ રિપોર્ટ પ્રમાણે તો ગાદીનું ઓપરેશન કર્યા બાદ અને કર્યા પહેલાના એમઆરઆઇ એક સરખા જ છે.
ઉપલેટાના સામાન્ય પરિવારમાંથી આવતી આ યુવતી આજે પથારીવશ થઇ છે એટલું જ નહિ તેને સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તબીબની ગંભીર બેદરકારી અંગે જ્યારે પરિવારજનોએ ડો. કાંત જોગાણીનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પરિવારની વાત ન સાંભળી અને છેવટે પોતાની બેદરકારી અંગે ઓપરેશનના એક લાખ રૂપિયા પરત આપવાનું પણ કહ્યું હતું. મામલો સામે આવ્યા બાદ વૉકહાર્ટ હોસ્પિટલનું તંત્ર મીડિયા સામે આવ્યું હતું. ઓપરેશન કરનાર તબીબ ડો. કાંત જોગાણીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, યુવતીને પગના દુ:ખાવાની સાથે કમરના વાનો દુ:ખાવો છે. હાલમાં તેની સ્થિતિ માટે કમરના વાનો દુ:ખાવો જવાબદાર છે. જોગાણીએ વધુમાં કહ્યું હતું કે પરિવાર જ્યારે અહીં સારવાર માટે આવ્યો ત્યારે તેને કમરની તકલીફ હતી અને પગની તકલીફ વધારે હતી જેથી ગાદીનું ઓપરેશન કરતા પગની તકલીફ દુર થઇ છે. આવા ઓપરેશનમાં 5થી 10 ટકા ગાદીનો ઘસારો રહેતો હોય છે જેથી એમઆરઆઇમાં જોઇ શકાય છે.