સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં: એનએસજી કમાન્ડોની ટુકડીઓ પણ આવી પહોંચી
અત્યાર સુધીમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચારેક વખત કરાયેલું રિહર્સલ: ‘ફાઈનલ’ રિહર્સલ આજે કરાશે: તૈયારીઓને અપાઈ રહેલો આખરી ઓપ
- Advertisement -
રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર માટે ઈતિહાસ રચાવાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુરૂવારે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાનના આગમનને હવે બે દિવસ જેટલો જ સમય બાકી હોવાથી રાજકોટના જૂના અને નવા એમ બન્ને એરપોર્ટનો કબજો સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) દ્વારા લઈ લેવામાં આવ્યો છે.
આ સાથે જ તેની સાથે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડો રાજકોટ આવી પહોંચ્યા છે અને ટોચની બન્ને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ-કર્મચારીઓ વીઆઈપીઓની સુરક્ષા માટે તૈનાત થઈ ચૂક્યા છે. બીજી બાજુ વડાપ્રધાનને એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી પહોંચવા માટેની સ્પેશ્યલ કારનો કાફલો આવતીકાલે જામનગરથી રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી રાજકોટ મુલાકાત દરમ્યાન આયોજિત થનાર જાહેરસભાના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ત્યાં થઈ રહેલ કામગીરી તેમજ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/quOmCAJhGZ
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023
સામાન્ય રીતે વડાપ્રધાન જે શહેરમાં જતા હોય તેના બે દિવસ અગાઉ ત્યાં એસપીજી અને એનએસજીની ટીમો તૈનાત થઈ જતી હોય છે એવી જ રીતે રાજકોટના નવા એરપોર્ટ અને જૂના એરપોર્ટ એમ બન્નેનો કબજો તેમના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે. એનએસજીના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત એનએસજી કમાન્ડો પણ તેમની સાથે તૈનાત રહેશે. વડાપ્રધાનની કારનો કાફલો દિલ્હીથી જામનગર અને જામનગરથી વિમાન મારફતે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનનું વિમાન રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ કરે અને તેમના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થઈ જાય ત્યારપછી જૂના એરપોર્ટ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાજકોટમાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જે ગુરૂવાર સુધી આવી રીતે જ પડ્યે રાખે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જો હેલિકોપ્ટરની ઉડાન શક્ય ન બને તો વડાપ્રધાન જે પ્લેનમાં દિલ્હીથી રાજકોટ આવ્યા હશે તે જ પ્લેન જૂના એરપોર્ટ ઉપર પહોંચશે. આ બન્ને વસ્તુ શક્ય ન બને તો પછી કાર મારફતે વડાપ્રધાનને રાજકોટ સુધી લાવવાની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે તા.27 જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ફેઝ-1), રાજકોટ ખાતે વિવિધ જનસુવિધા કાર્યો તેમજ સૌની યોજના લિંક-3 ના પેકેજ 8 અને 9 ના થશે લોકાર્પણ. સૌરાષ્ટ્રવાસીઓને મળશે વિકાસની… pic.twitter.com/rbaXS3m3jV
— CMO Gujarat (@CMOGuj) July 24, 2023
બીજી બાજુ વડાપ્રધાન કક્ષાના મહાનુભાવ રાજકોટ આવી રહ્યા હોય તેમની સુરક્ષામાં કોઈ જ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ચારેક વખત રિહર્સલ કરી લેવામાં આવ્યું છે જ્યારે ફાઈનલ રિહર્સલ આજે સાંજે અથવા આવતીકાલે એસપીજી-એનએસજીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.બીજી બાજુ ટોચની બન્ને સુરક્ષા એજન્સીના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હોય તેમણે વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપરાંત શહેરના અમુક વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રનું પહેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટમાં નિર્માણ પામ્યું છે ત્યારે તેને સૌરાષ્ટ્ર બેઈઝ થીમ ઉપર શણગારવાની કવાયત પણ ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. એકંદરે તૈયારીઓને લઈને અત્યારે ઓથોરિટી સહિતનું તંત્ર ઉંધા માથે થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થયું છે.
બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા સહિતના સાધનોથી રહેશે સજ્જ
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ રેસકોર્સમાં જાહેરસભાને સંબોધિત કરવાના છે ત્યારે તેને લઈને પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાનના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા, સીસીટીવી, બાયનોક્યુલર તેમજ એચએચએમડી, ડીએફએમડી, વરુણ, વ્રજ, બેગેજ સ્કેનર સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજથી બે દિવસ સુધી રાજકોટના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરૂવારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ કોઈ અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આજથી બે દિવસ સુધી શહેરના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ડ્રોન ઉપરાંત ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ સહિતની પ્રવૃત્તિ ચલાવવાની કે કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૨૭ જુલાઈએ રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય… pic.twitter.com/f80kg38uIO
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023
કાલથી એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમાર રાજકોટમાં: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ કાલે જ આવી જાય તેવી શક્યતા
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થાય તેના પહેલાં આવતીકાલથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)ના ચેરમેન સંજીવ કુમાર સહિતના અધિકારીઓ રાજકોટ આવી પહોંચશે અને તૈયારીઓને ફાઈનલ ટચ આપશે. આ ઉપરાંત કાલે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના મંત્રીઓ પણ રાજકોટ આવી પહોંચે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સીઆઈએસએફનો 240 ઉપરાંત એરપોર્ટનો 150થી વધુનો સ્ટાફ રહેશે તૈનાત
જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયા બાદ ત્યાં સીઆઈએસએફના 240 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત એરપોર્ટનો 100 જેટલો સ્ટાફ ઉપરાંત 50થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મીઓ ફરજ બજાવશે. આ તમામ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.