પત્તાને વિવિધ રીતે દર્શાવાની કલાબાજીમાં રાજકોટના કલાકારે કાઢ્યું આગવું કાઠું
વર્ષ 2016માં જર્મનીમાં “બ્રેકાઉટ કાર્ડિસ્ટ ઓફ ધ યર” નો એવોર્ડ જીતનાર શિવરાજ પ્રથમ ભારતીય
- Advertisement -
કાર્ડિસ્ટ્રી કલાકાર તરીકે ઈન્ટરનેશનલ અને નેશનલ સેમિનારોમાં શિવરાજની બોલબાલા
– પ્રિયંકા પરમાર
ગુગલના મોટીવેશન થોટ્સમાં ક્યાંક વાંચ્યું હતું કે, પૃથ્વી પર સામાન્ય માનવી તરીકે જન્મ લેવો ગુનો નથી પરંતુ સામાન્ય માનવી તરીકે મૃત્યુ પામવું એ ગુનો કહી શકાય. જ્યારે મનુષ્ય પોતાની સીમાઓની બહારનું જોવાની – કરવાની અને વિચારવાની હિંમત દાખવે છે ત્યારથી જ તે સામાન્ય માનવીમાંથી મટીને પ્રતિભાશાળી વ્યક્તિ બની જાય છે. ત્યારે રાજકોટના એક 23 વર્ષીય યુવા કલાકાર શિવરાજ મોરઝરિયાંએ પોતાની સીમા મર્યાદાથી બહાર જોવાની હિંમત કરી, મહેનત કરીને આજે આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્ડિસ્ટ્રી કલાકાર તરીકે ખ્યાતિ પામી છે.
- Advertisement -
સૌપ્રથમ તો આપને કાર્ડિસ્ટ્રી કળા વિશે જણાવીએ દઈએ. આ કલામાં સાદા પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને હાથની કલાબાજી અને ટેક્નિક સાથે કાર્ડને વિવિધ રીતે વિઝ્યુઅલી દર્શાવવામાં આવે છે. પત્તાને અલગ અલગ ફોર્મમાં જોવું જેટલું સરળ લાગે તેને દર્શાવવું એટલું જ અઘરું હોય છે. મહેનત ભર્યું કામ કરવા કરતાં કંઈક અલગ કામ કરવાની ખેવના રાખતાં શિવરાજ મોરઝરિયાં 8 વર્ષથી કાર્ડિસ્ટ્રી ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે.

બેઝિક કાર્ડ મુવથી કાર્ડિસ્ટ્રીની સફર શરૂ કરનાર શિવરાજે આજે પોતાના ક્રિએટીવ મુવ્સ વિકસાવ્યા છે. જેમાં ફ્લીકર, વોફલ, કેસકેડ અને ટમ્બલ કોમ્બોનો સમાવેશ થાય છે. તેમજ કાર્ડ ડિસ્ટ્રોઈ કરીને આર્ટ ઓફ ફોલ્ડીંગ અને મોશન જેવી રોમાંચક પોતાની કાર્ડની ટેક્નિકસ વિકસાવી છે. પોતાની કળાને વધુ સારી બનાવવા માટે શિવરાજ દિવસમાં 6 કલાક પ્રેક્ટિસ માટે ફાળવે છે.
આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કાર્ડિસ્ટ્રી તરીકે પ્રતિનિધિત્વ કરનાર શિવરાજે જીતના ઝંડા ગાળીને ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ 2016માં બ્રેકાઉટ કાર્ડડિસ્ટ ઓફ ધી યરનો એવોર્ડ મેળવનાર શિવરાજ પ્રથમ ભારતીય છે. આ ઉપરાંત તેણે બર્લીન, લોસ એન્જલીસ, પોલેન્ડના ઈવેન્ટ્સોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. આ ઉપરાંત પોતાની કળાનો લાભ બીજાને મળી શકે તે માટે અનેક સેમિનારોનું આયોજન પણ કરે છે. શિવરાજની આ વિશિષ્ટ કલા અન્ય યુવાઓ માટે પણ પ્રેરણાદાયી છે. તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્ડિસ્ટ્રી તરીકે નવી કલામાં પોતાનું પ્રભુત્વ દર્શાવીને કલાના ક્ષેત્રમાં ભારત અને રાજકોટવાસીઓનું ગૌરવ વધાર્યું છે.



