રાજ્યમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો થયો પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં ઇણ જેવી જ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે, જેમાં રાજકોટ સ્થિત ’રિસેટ વેલ’ નામની કંપનીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કંપનીએ રોકાણકારોને મહિને 4-5 ટકાના ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી આચરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યભરના 5 થી 7 હજાર જેટલા લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ‘રિસેટ વેલ’ કંપની દ્વારા વર્ષ 2017 થી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રોકાણ સ્વીકારવામાં આવતું હતું. અનેક લોકોને 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવવામાં આવ્યું હતું.
જોકે, ફેબ્રુઆરી મહિનાથી રોકાણકારોને વળતર મળવાનું બંધ થતાં આ પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટી ગયો હતો. વળતર ન મળતા છેતરાયેલા રોકાણકારો હવે પોલીસ સ્ટેશનના શરણે પહોંચ્યા છે. આ મામલે મેટોડા પોલીસ મથકે ભોગ બનનાર રોકાણકારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ છેતરપિંડીમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સંજય માંગરોળિયા અને એજન્ટ ભરત મચ્છોયાને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.