ભૂકંપપ્રુફ ડીઝાઈન, વાવાઝોડાં સહિતની કુદરતી આફતને પહોંચી વળવા સક્ષમ
118 કરોડના ખર્ચે તૈયાર થનાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ ઓગસ્ટમાં પૂર્ણ થશે
– મીરા ભટ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવા લાઈટહાઉસ પ્રોજેક્ટ જેનું રાજકોટમાં નિર્માણ થઈ રહ્યું છે અને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં માત્ર 6 શહેરોમાં જ આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં ફર્સ્ટ રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
રાજકોટના રૈયા રોડ પર આકાર પામનાર આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ 118 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સાવ નજીવી કિંમત અને સારા બાંધકામવાળા ફલેટની સુવિધા રાજકોટના મધ્યમવર્ગીય લોકોને મળી રહેશે તેવી સુવિધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. 35,599 સ્કેવર ફૂટ જગ્યામાં આ ફલેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. 1 બી.એચ.કે.ના આ ફલેટની કિંમત માત્ર 3,40,000 છે અને 428 કારપેટના ફલેટ બનાવવામાં આવી રહ્યા છે જે અનેક સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2021માં શરૂ થયો હતો અને ઓગસ્ટ 2022 પૂરો થઈ જશે. લાઈટ હાઉસ પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નંબર 32માં 45 મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થઈ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટ સીટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોવાથી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડુ, ટોઈલેટ બાથરૂમ, વોશીંગ એરિયાની સુવિધા આપવામાં આવી છે. આ ફલેટને 90 વર્ષ સુધી કંઈ જ થશે નહીં તેવી ટેક્નોલોજીથી આ ફલેટ તૈયાર કરવામાં આવ્યા છે.
- Advertisement -
કઈ કઈ સુવિધાઓ? જાણો
રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, એલઈડી લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કીંગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ લાભાર્થીઓને આપવામાં આવશે. આ સાથે એક ફલોર પર ત્રણ લીફટની પણ સુવિધા આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોમાંથી એક રાજકોટનો સમાવેશ
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્ર્વભરમાં પ્રચલીત જુદી જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલા તેમજ ભારતના અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર દેશમાં ફકત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ, રાંચી, અગરતલા, ઈન્દોર અને ચેન્નાઈની પસંદગી કરવામાં આવી છે.


