ખાસ-ખબર સંવાદદાતા
વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 6માં ગોવિંદબાગ પાસે 1596 ચોરસ મીટર વિશાળ જગ્યામાં 3 માળની લાઈબ્રેરીનું બાંધકામ 8.39 કરોડના ખર્ચે કરવામાં આવ્યુ છે. આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલોજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને 33 હજાર જેટલા પુસ્તકો છે. આ પુસ્તકાલયની દરેક વ્યક્તિએ મુલાકાત લેવા જેવી છે.
પુસ્તકાલયમાં આવનારને ખાલી હાથ જવું નહીં પડે, અહીંથી દરેક કંઈકને કંઈક લઈ જઈ શકે એવું આયોજન: નરેન્દ્ર આરદેસણા
રાજકોટ મનપાના લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેસણાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરી ડેવલપ કરવામાં આવી છે. અહીંયા આવનાર રાજકોટના કોઈપણ નાગરિકને ખાલી હાથ નહીં જવું પડે. જનરલ પૂસ્તક આપ-લે વિભાગ ઉપરાંત મહિલાઓ માટે અલગ વાચન ખંડથી માંડીને સીસીટીવી, વાઈફાઈથી આ લાઈબ્રેરી સજ્જ કરવામાં આવી છે. આ પુસ્તકાલયના લોકાર્પણના પ્રથમ દિવસથી વાંચકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે એવું રાજકોટ મનપાના લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેસણાએ જણાવ્યું હતું.
- Advertisement -

પ્રથમવાર 250 અલભ્ય પુસ્તકો (રેર બૂક્સ)નો સંગ્રહ તેમજ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે બ્રેઈલ લિપિમાં 200 પુસ્તકો અને 400 ઓડિયો બુક્સની સુવિધા ઉપલબ્ધ
ઈગ્નાઈટિંગ ઇમેજિનેશન, અ હેવન ફોર ચિલ્ડ્રન: 1900થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો
આ લાઈબ્રેરીમાં ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય તે માટે વિવિધ બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા 1900થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે.
- Advertisement -

જ્ઞાન અને મનોરંજન: લાઈબ્રેરીમાં છે અવનવી સુવિધાઓ
આ લાઈબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. તો બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજનની સાથે-સાથે જ્ઞાન પણ આ લાઈબ્રેરીમાં પીરસવામાં આવશે. આ લાઈબ્રેરીમાં વાચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે, કલા-સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.

શીખવા અને તૈયારી કરવા માટેનું એક હબ: UPSC અને GPSC ઉમેદવારો માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નર
વિદ્યાર્થીઓ-યુવાનો સિવિલ સેવા તેમજ સરકારી સેવામાં જોડાવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે અહીં યુ.પી.એસ.સી./જી.પી.એસ.સી. તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે. બહેનો, બાળકો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી વિવિધ વાચન સામગ્રી, એજ્યુકેશનલ જનરલ નોલેજ, જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, જ્યોતિષ, ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ 200 જેવા મેગેઝીન તથા 20 જેવા વર્તમાનપત્રો આ અતિ આધુનિક લાઈબ્રેરીમાં વાંચવા મળશે.

બાળકો માટે રમકડાં અને મોટેરાઓ માટે સામયિકો અને અખબારો સાથે ઓડિયો-વિડીયો બૂક્સ
વૈવિધ્યસભર વાંચન સામગ્રી: તમામ ઉંમરના વાંચકો માટે સામયિકો અને અખબારો
અહીં ઈ-લાઇબ્રેરી, વાઇફાઇ સેવાઓ, ઓનલાઇન પબ્લિક એક્સેસ, કરંટ એક્સેસ સર્વિસ, રેડી રેફરન્સ સર્વિસ, જનરલ વાંચનાલય, વિદ્યાર્થી વાંચનાલય, મેગેઝીન ક્લબ સેવા, ઝેરોક્ષની સુવિધા, ડિજિટલ લાઈબ્રેરી સેવા, ઇન્ટરનેટ સર્ચ જેવી સેવાઓ પણ મળશે. શહેરમાં પ્રથમવાર 250 એવા અલભ્ય પુસ્તકો (રેર બૂક્સ)નો સંગ્રહ વાચકો અને અભ્યાસુ લોકો માટે ખુલ્લો મુકાયો છે અને આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ લોકો માટે બ્રેઈલ લીપીમાં 200 પુસ્તકો અને 400 ઓડિયો બૂક્સની સુવિધા પણ આ લાઈબ્રેરીમાં રહેશે.

લાયબ્રેરીની મુલાકાતનો સમય?
રાજકોટની જાહેરજનતા શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે ત્રાંસિયા રોડ ઉપર આવેલી લાઈબ્રેરીનો લાભ સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી તથા રવિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લઈ શકશે.



