નવી કાર ખરીદી દારૂ પી ડ્રાઇવ ઉપર નીકળ્યો, શ્યામલ ચાર રસ્તા પાસે અનેક વાહનોને ઠોકરે ચડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
રાજકોટના વેપારીએ અમદાવાદમાં અકસ્માતની હારમાળા સર્જી દેતા લોકોએ પીછો કરી તેને પકડી પાડ્યો હતો. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે એક કારચાલકે કેટલાક વાહનોને ટક્કર મારીને કારચાલક ત્યાંથી ભાગ્યો હતો. લોકોએ કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો અને તેનો પીછો કર્યો ત્યારે આ કારચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી પ્રહલાદનગર પાસે સિગ્નલ બંધ હતું ત્યારે એક કારની પાછળ ટક્કર મારી હતી, જેથી લોકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. લોકોએ કારચાલક દારૂ પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હોવાથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં રહેતા વેપારી અંકુર સાવલિયા નવી કાર લેવી હોવાથી અમદાવાદમાં રહેતા તેમના સંબંધીના ત્યાં ગયો હતો. સોમવારે સવારના સમયે રાજકોટના અંકુરે નવી કોમ્પેક્ટ એસયુવી કારની ખરીદી કરી હતી. ત્યારબાદ રાત્રીના સમયે નવી કાર લઈને તે અમદાવાદના રસ્તા ઉપર ફરવા માટે નિકળ્યો હતો ત્યારે પ્રહલાદ નગર લીમડીયા હનુમાન ચોક પાસેનું સિગ્નલ બંધ હોવાથી અંકુર સાવલિયાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અન્ય કારને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે નવી કારની એરબેગ પણ ખુલી ગઈ હતી, જેથી કારમાં સવાર પાંચેય લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. આ ઘટનાથી લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને અકસ્માત સર્જી અંકુર સાવલિયા ભાગ્યો હતો અને રસ્તામાં પણ ત્રણ વાહનોને હડફેટે ચડાવ્યા હતા.
અકસ્માત સર્જી ભાગેલા કારચાલકનો પીછો કરી તેને પકડી લોકોએ કારમાં તોડફોડ કરી તેને મેથીપાક ચખાડ્યો હતો એ પોલીસને ફોન કર્યો હતો. ત્યારે લોકોએ જણાવ્યું કે આ કારચાલકે શ્યામલ પાસે અકસ્માત સર્જ્યો હતો અને લોકો પીછો કરતા તેણે ગાડી ભગાવી હતી. એન ડિવિઝન પોલીસે કાર ચાલક અંકુર સાવલિયાની મેડીકલ તપાસ કરાવ્યા બાદ તે દારૂ પીધેલો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અકસ્માતની આ ઘટનાને પગલે પ્રહલાદનગર રોડ પર 3 કલાક જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો.