કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજકોટ એરપોર્ટના ફોટા ટ્વીટ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હીરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવી છે. ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે હીરાસર એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરમાં છે. 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર થશે. જેનાથી રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે. આ એરપોર્ટ વડાપ્રધાન મોદીની દુરંદેશી દર્શાવે છે.
- Advertisement -
હીરાસર એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમી દૂર આવેલું છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. નવા એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમણે કહ્યું કે સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત એરપોર્ટનો ઙખ મોદીએ 2017માં શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલો આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આવશે. 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે રૂ. 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક – કોમર્શિયલ ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની ઉડાન ભરવામાં અસમર્થ છે. નવા આધુનિક એરપોર્ટને આવા કોઈ નિયંત્રણો નડશે નહીં.
- Advertisement -