રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજરોજ મંજૂરી અપાઈ છે.
રાજકોટના વેપારીઓ માટે ખુશીના સમાચાર છે. હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આજે (29 જુલાઈ, 2025) મળેલી આ મંજૂરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો ફાયદો થશે.
- Advertisement -
હવે વેપારીઓ પોતાનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પણ મોકલી શકશે. અત્યાર સુધી રાજકોટના વેપારીઓને હવાઈ કાર્ગો માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે હિરાસર એરપોર્ટ પર જ આ સુવિધા ઉપલબ્ધ થતા સમય અને નાણાં બંનેની બચત થશે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ, 2023માં નવા હિરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ શરૂ થવાની રાહ જોવાઈ રહી હતી. લાંબા સમયની પ્રતિક્ષા બાદ હવે આ સેવા શરૂ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્ગો સર્વિસ જુના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટના ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને નવી ગતિ મળશે તેવી આશા સેવાઇ રહી છે.