શહેરમાં રંગ બજારની રોનક સોળે કળાએ ખીલી
દેશ-પરદેશમાં પણ રાજકોટના રંગોની ડિમાન્ડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં રંગ બજારની રોનક સોળે કળાએ ખીલી છે. દિવાળીના ટાણે ઘરના આંગણામાં પૂરવામાં આવતા રંગોળીના રંગો માટે રાજકોટ જગ આખામાં પ્રખ્યાત છે. માત્ર ગુજરાતના લોકો નહીં પણ દેશ-વિદેશના લોકો પણ રાજકોટના વેપારીઓએ બનાવેલા રંગોથી રંગોળી પૂરે છે. રંગોળીમાં જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકીના 90 ટકા રંગો રાજકોટમાં જ બને છે. જેથી આ કલરોની માંગ ગુજરાત સહિત દેશ-વિદેશમાં છે. રંગોળીના વેપારી મહેન્દ્રભાઈએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, રાજકોટમાંથી આ રંગોને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. જેમ કે આફ્રિકા, યુ.એસ., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં રંગોળીના રંગોની સપ્લાય કરવામાં આવે છે. તેમણે આગળ જણાવ્યું કે, અહીં 32થી 35 પ્રકારના રંગો બનાવવામાં આવે છે. જેમાં સૌથી વધારે રેડિયમ કલરની માંગ વધારે છે. રેડિયમ કલરમાં વાયોલેટ, પિંક, ગ્રીન, પેરોટ સહિતના કલરોની માંગ વધે છે.
અત્યારે હોલસેલ માર્કેટમાં સૌથી વધારે કલરની ડિમાન્ડ જોવા મળી રહી છે. દિવાળીના અઠવાડિયા પહેલા રિટેલ ગ્રાહકી જોવા મળશે. દિવાળી પર્વ દરમિયાન રાજકોટમાં રંગોળી માટે દર વર્ષે 80થી 120 ટન રંગ વપરાવાનો અંદાજ હોય છે. ત્યારે આ વર્ષે દેશી રંગોની સાથે આ વખતે વિદેશી રંગોનો સમન્વય થયો છે. આમ, દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો રંગોળીના રંગોની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.