સમલૈંગિક સંબંધો અને લગ્નોને મંજૂરી વિવાદ
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સમલૈંગિક સંબંધો તેમજ લગ્નોને મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં આ મુદ્દે રાજપીપળા પ્રિન્સ માનવેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી આ સંબંધોને કાયદેસરતા આપવા માંગ કરી હતી. ત્યારે આજરોજ રાજકોટ શહેરની જાગૃત મહિલાઓ આ મુદ્દે મેદાને આવી છે. અને આવા સંબંધો સામાજિક વ્યવસ્થા માટે જોખમરૂપ હોવાનું જણાવી તેને મંજૂરી નહીં આપવા માંગ કરી છે.
આ અંગે ડો. ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, સમાજમાં એડવોકેટ તરીકે મારી ભૂમિકા છે. અમારી સામાજીક જવાબદારીને લઈને સમલૈંગિક કાયદાને માન્યતા આપવા સામે અહીં વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ. અમારું માનવું છે કે, લગ્ન વ્યવસ્થા એ માત્ર સમાજ માટેની એક પ્રથા નહીં પરંતુ આપણી સંસ્કૃતિમાં તેને 16 સંસ્કારોમાં એક સંસ્કાર ગણાય છે. જેમાં આદિકાળથી વિજાતીય લગ્નોને માન્યતા આપવામાં આવી છે. ત્યારે સજાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવે તો સમાજની વ્યવસ્થા ખોરંભાય તેવી દહેશત હોવાથી તેને કાયદેસરતા આપવી જોઈએ નહીં. સમાજની ગૃહિણીઓ આ બાબતે ચિંતિત હોવાથી કલેક્ટરનાં માધ્યમથી સુપ્રીમ કોર્ટ અને સરકારને રજૂઆત કરી છે.
આ ઉપરાંત એડવોકેટ જાગૃતિ દવેએ જણાવ્યું હતું કે, સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વિચારણા ચાલી રહી છે. જેને અટકાવવા માટે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ. કારણ કે, આવા લગ્નોની વિપરીત અસરો આપણી સંસ્કૃતિ અને ધર્મ ઉપર પડશે. ત્યારે સમાજને વિકૃતિ તરફ દોરી જનારા આ નિર્ણયને અટકાવવા અમે અજરોજ કલેક્ટરને આવેદન આપ્યું છે. તો અન્ય એક મહિલા કાંતાબેન કથીરિયાએ જણાવ્યું કે, સમલૈંગિક લગ્નોને કારણે સમાજ ઉપર ખરાબ અસર પડે તેમ છે. અને કુટુંબ પરિવારની ભાવના જતી રહે તેમજ દેશના વિકાસમાં પણ વિપરીત અસર થવાની શક્યતા છે. આ કારણે આજે આવા સંબંધો અને લગ્નોને કાયદેસરતા નહીં આપવા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.