ફરિયાદ પક્ષ આક્ષેપો સાબિત કરવામાં નિષ્ફળ; અદાલતે ‘બેનિફિટ ઓફ ડાઉટ’ આપી મુક્ત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ઢોરપકડ શાખા પર હુમલો કરવા અને સરકારી ફરજમાં રુકાવટ પહોંચાડવાના 2016ના એક ચર્ચિત કેસમાં નામદાર અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપી મહિલા હેતલબેન જોગરાણાને કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધના આક્ષેપો નિ:શંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
બનાવની વિગત એવી છે કે, 5 ડિસેમ્બર 2016ના રોજ ગાંધીગ્રામના ભારતી નગર-1 વિસ્તારમાં મનપાની અગઈઉ શાખા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર મુકેશભાઈ ચોપડા અને તેમની ટીમ પર હુમલો કરી, ઢોર ભગાડી મૂકી અને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કર્યાના આક્ષેપ સાથે હેતલબેન વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી ધારદાર ઉલટ તપાસમાં સાક્ષીઓની જુબાનીમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યા હતા. અદાલતે અવલોકન કર્યું કે સાક્ષીઓના નિવેદનોમાં તફાવત હોવાથી ફરિયાદ પક્ષનો કેસ શંકાસ્પદ બને છે. પરિણામે, નામદાર કોર્ટે આરોપીને ’શંકાનો લાભ’ આપી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.



