સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સાંજે વિજયભાઈની અંતિમવિધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
12 જૂનની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2ઉ પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું.
રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચી ગયો છે. અહીં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.
અંતિમયાત્રાને લઈને ખાસ શબવાહિની તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઊંટી, પુના તેમજ અલગ અલગ જગ્યાએથી ફૂલો લઈ આવ્યા છીએ. પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર રાજ્ય સરકાર તરફથી એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો જેમાં તમામ સરકારી કચેરીઓથી લઈ કાગવડ ખોડલધામ મંદિરના મુખ્ય દરવાજા પર પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. સાંજે તેમના રાજકોટમાં નિવાસસ્થાને અંતિમ દર્શન બાદ રામનાથપરા સ્મશાન ગૃહમાં વિજયભાઇ રૂપાણીના પાર્થિવ દેહ લઈ જવા માટે રથ રાખવામાં તૈયાર કરી દેવાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ દુ:ખદ લાગણી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી સમક્ષ પોતાના પિતાનો અંતિમ સમયે ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, પ્લેન દુર્ઘટનામાં શરીર અર્ધ-બળી ગયેલું હોવાથી ચહેરો બતાવવો શક્ય નથી.
સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ કુટુંબીજનોને સોંપાયો: અંજલિબેન-રાધિકા ભાંગી પડ્યા
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમ વિદાય અપાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સિનિયર મંત્રીઓએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદની વિમાની દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહ આજે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાંથી તેમના કુટુંબીજનોને સુપ્રત કરવામાં આવ્યો તે સમયે અત્યંત હૃદય સ્પર્શી દ્રશ્ર્યો સર્જાયા હતા. ગઈકાલે સ્વ.રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ આજે સવારે 11.30 કલાકે તેમના પાર્થિવદેહને શબપેટીમાં ત્રિરંગામાં લપેટીને કુટુંબીજનોને પરત સોંપવામાં આવ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ, પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી તથા રાજયના સીનીયર મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા તેમજ અમદાવાદના મેયર તથા અનેક ધારાસભ્યો પણ હાજર હતા. સૌપ્રથમ અંજલીબેન રૂપાણીએ સ્વ. વિજયભાઈના પાર્થિવદેહને નમન કર્યા હતા. તેઓ અત્યંત લાગણીશીલ થઈને ભાંગી પડયા હતા તે સમયે સ્વ.રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીની માતા અંજલીબેન તથા બહેન રાધીકાને સંભાળ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પણ સ્વ.રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાંજલી કરી હતી. બાદ સિવિલ હોસ્પીટલમાં જ સ્વ.રૂપાણીની અંતિમ વિદાય પુર્વે ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું અને બાદમાં ખાસ ગ્રીન કોરીડોર મારફત પાર્થિવદેહને અમદાવાદ વિમાની મથકે લઈ જવાયો હતો જયાં ખાસ વિમાનમાં તે રાજકોટ લવાયો છે અને અંતિમયાત્રાનો પ્રારંભ થયો છે.
રાજકોટમાં સ્વ.રૂપાણીના પાર્થિવદેહને શ્રદ્ધાંજલી આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાદમાં તેમની અંતિમયાત્રાનો પ્રારંભ થશે. બપોરે પાંચ વાગ્યે શરૂ થનારી અંતિમ યાત્રા પુર્વે શહેરમાં જબરો શોકસભર માહોલ છવાઈ ગયો છે અને મુખ્ય માર્ગો પર સ્વ.રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા માટે અનેક સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે તેમજ મહાનુભાવોનું આગમન પણ બપોર બાદ શરૂ થઈ જશે.
સ્વ.વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને ખાસ વિમાન મારફત રાજકોટ લવાયો તે પુર્વે ગુજસેલના વિમાની મથકે સ્વ.ને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું અને ફુલો વરસાવાયા હતા. રાજય પોલીસના જવાનોએ ખાસ શોક સભર યુનિફોર્મ સાથે પાર્થિવદેહને અંતિમ વિદાય આપી હતી અને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યુ હતું. અમદાવાદ એરપોર્ટ પર પણ સ્વ.ને શ્રદ્ધાંજલી આપતા પોસ્ટર લાગ્યા હતા.
વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો