બાળાઓના રાસ, ગૌશાળા અને ગરીબો માટે વિનામૂલ્યે સેવાકાર્યોથી મંદિર ભક્તિ અને સેવાનું ધામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આવેલું આઈ શ્રી કુવાવાળી ખોડીયાર માતાજીનું મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પણ સેવા અને સંસ્કૃતિનું જીવંત ધામ છે. છેલ્લાં 50 વર્ષથી આ મંદિરમાં સાંસ્કૃતિક ગરબીની પરંપરા જળવાઈ રહી છે, જેમાં 5 થી 12 વર્ષ સુધીની બાળાઓ દ્વારા અવનવા રાસનું આયોજન કરવામાં આવે છે.
મંદિરની અંદર એક પાણીનો કૂવો આવેલો છે, જેમાં ખોડીયાર માતાજીનું સ્વરૂપ બિરાજમાન છે, તેથી જ આ મંદિર ’કુવાવાળી ખોડીયાર મંદિર’ તરીકે જાણીતું છે. આ મંદિરમાં મહંત ગાદી આવેલી છે, જેણે ઐતિહાસિક રીતે મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું છે.
આજથી 45 વર્ષ પહેલાં મહંત રામકરણદાસજી પ્રથમ ગાદીએ બિરાજ્યા હતા. ત્યારબાદ 1983માં તેમના સાકેતવાસી થયા બાદ બીજા મહંત રામપ્રસાદદાસજીએ ગાદી સંભાળી અને મંદિરનો સર્વાંગી વિકાસ કર્યો.
- Advertisement -
રામપ્રસાદદાસજી ગુરુજીના આશીર્વાદથી મંદિરમાં અનેક સેવાકીય અને ધાર્મિક પ્રસંગો ઉજવાય છે, જેમાં મુખ્યત્વે સમૂહલગ્ન, માતાજીનો માંડવો, ખોડીયાર જયંતી અને અષાઢી બીજ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મંદિર પરિસરમાં ગૌશાળા આવેલી છે, તેમજ ગરીબ માણસોને અનાજ આપવામાં આવે છે. દર બુધવારે અહીં ડોક્ટરની વિનામૂલ્યે સેવા પણ કરવામાં આવે છે, જે મંદિરની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હાલમાં મંદિરમાં યુવા પૂજારી માનસદાસજી દ્વારા દરરોજ સાંજે અને સવારે મહાદેવજીના શૃંગાર અને અદ્ભુત કલાથી આરતી કરવામાં આવે છે.
મહંત માનસદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના દરેક સભ્યો તન-મનથી નિ:શુલ્ક સેવા આપીને આ તમામ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને સફળ બનાવે છે.