આંતરરાષ્ટ્રીય ભાવમાં બેફામ ભાવવધારાથી ગ્રાહકો ઘટયા
કલેક્ટરને સોની યુવા સોશ્યલ ટ્રસ્ટનું આવેદન, હજારો કારીગરોને સ્કૂલ ફી, ભાડુ, લોન હપ્તા ભરવાના સાંસા, રાહત પેકેજની માંગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર દેશમાં સોના-ચાંદીના દાગીનાના વેચાણ,ઉત્પાદન, ડિઝાઈનમાં નં.1નું સ્થાન ધરાવતી રાજકોટની સોના-ચાંદીની બજારને મોંઘવારીજન્ય મંદી ભરડો લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે સોનાના ભાવમાં અસહ્ય વધારા સાથે ઘરાકી સતત ઘટવા લાગતા કારીગરોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી થઈ ગયાની અને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાય તેવી માંગણી સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. સોના અને ચાંદીના ભાવ એટલી હદે વધી ગયા છે કે સામાન્ય પરિવાર માટે તેની ખરીદી પહોંચની બહાર જતી રહી છે જેના કારણે વજન દીઠ મળતી મજુરીની આવક પણ ઘટી ગઈ છે.
આ અંગે સોની યુવા સોશ્યલ ગુ્રપ દ્વારા આજે કલેક્ટર કચેરીએ ધસી જઈને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મૂજબ સુવર્ણકાર સમાજના હજારો કારીગરો પાસે કામકાજ રહ્યા નથી,લગ્નની સીઝનો છતાં સોના-ચાંદીની ખરીદી ઓછી થઈ ગઈ છે જેના પગલે કારીગરોને દુકાનોનું ભાડુ, બાળકોની સ્કૂલ-કોલેજની ફી, લોનના હપ્તા, ઘરખર્ચ કાઢવામાં અતિશય કફોડી હાલત થઈ છે. આત્મહત્યા કરવી પડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે.
આ અન્વયે જીજ્ઞોશ વાગડિયા સહિત આગેવાનોએ સુવર્ણકાર કારીગર સમાજ માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં યુધ્ધની પરિસ્થિતિના બહાને સોના-ચાંદીના ભાવ અસહ્ય વધારી દેવાયા છે અને તે કારણે લોકો પ્રસંગોપાત ખરીદી પણ ઘટાડી રહ્યા છે. જેની સીધી માઠી અસર સોના-ચાંદીના દાગીના બનાવવાના કામમાં જોડાયેલા હજારો કારીગરો અને તેમના પરિવારો પર થઈ રહી છે.



