પેમેન્ટ પેન્ડીંગ બતાવે છે કહી ગઠિયાઓએ 27 હજાર પડાવી લીધા
તાલુકા પોલીસમાં ત્રણ અલગ અલગ મોબાઈલ નંબર ધારકો સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નાના મવા રોડ પર શસ્ત્રીનગર અજમેરામાં રહેતાં ડોલીબેન રાજેન્દ્રકુમાર ઝાલાડી ઉ.30એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ મોબાઇલ નંબરના ધારકો સામે છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ઇશ્વરીયા ખાતે મોદી સ્કૂલમાં નોકરી કરુ છું. ગત 13/4ના રોજ ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં એક જાહેરાત આવી હત. જેમાં મહાલક્ષ્મી ફેશન નામની આઇડી પર ઓછી કિંમતે ડ્રેસ વેંચવાની જાહેરાત હતી એ ડ્રેસની ઓરીજીનલ કિમત રૂા. 4250 હતી પણ ડિસ્કાઉન્ટમાં 2000 ભાવ રખાયો હતો જેથી મને ડ્રેસ ખરીદવાની ઇચ્છા થતાં આઇડી ઉપર બતાવેલ વ્હોટ્સએપ નંબરમાં મેસેજ કર્યો હતો એ પછી મે તેમાં મારુ એડ્રેસ સહિતની વિગતો ભરી હતી. બાદમાં સામેથી ઓર્ડર ક્ધફર્મનો મેસેજ આવ્યો હતો. તેમજ એક ક્યુઆર કોડ મને મોકલાતાં મેં તેમાં 2000 રૂપિયા ફોનપેથી ટ્રાન્સફર કરી દીધા હતાં ત્યારબાદ 16મીએ ઓર્ડરની પુછતાછ માટે મેં મેસેજ કરતાં મને કહેલુ કે બપોર સુધીમાં તમને ઓર્ડર મળી જશે. તેમજ આ ડ્રેસની ઓરીજીનલ કિમત 4250 હોઇ તે ફરીથી મોકલવા અને ઓર્ડર આવી જાય એટલે આ રકમ પાછી મળી જશે તેમ કહેવાતાં મેં વિશ્વાસ રાખી 4250 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં બાદમાં એ શખ્સે ફોન કરી કહેલુ કે તમે મોકલેલુ પેમેન્ટ પેન્ડીંગ બતાવે છે ફરીથી પેમેન્ટ કરવું પડશે. આથી મેં ત્રણ કટકે 2-2 હજાર અને 500 મળી 4250 ફરી એક વખત ટ્રાનસફર કર્યા હતાં.
ત્યાર બાદ એ શખ્સે અમારા મેનેજર સાથે તમારે વાત કરવી પડશે કહી કોઇ મનીષ ગુપ્તાના નંબર મોકલ્યા હતાં મેં તેમાં વાત કરતાં મને કહેલુ કે હજુ તમારે વધારે રકમ મોકલવી પડશે રકમ મોકલીશ પછી જ મારો ઓર્ડર મને મળશે અને બાદમાં આ તમામ રકમ મને પરત મળી જશે. આથી મેં ફરીથી રકમ મોકલી હતી. આ રીતે કુલ 18600 ટ્રાનસફર કર્યા હતાં આ રીતે કુલ રૂા. 27,100 મારી પાસેથી લઇ લીધા હતાં ત્યાર બાદ પણ મને ડ્રેસ ન મળતાં મને ઠગાઇ થયાનું લાગતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-1930માં ફોન કર્યો હતો અને અંતે ફરિયાદ નોંધાવી હતી તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



