રેસ્ટોરન્ટ-હોટેલને ટેક-અવેની છૂટ, ચા-નાસ્તાની લારી રાત્રે 8 પછી બંધ : રાજકોટિયન્સ હવે મધરાતે હોટેલના ભોજનનો સ્વાદ માણી શકશે
રાજ્ય સરકારે રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટમાં ટેકઅવેની છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ચા-પાનના ગલ્લા, નાસ્તાની લારી સિવાઇ હોટેલ રેસ્ટોરન્ટની વ્યાખ્યામાં આવતા ધંધાર્થીઓ રાત્રે 10 વાગ્યા બાદ પણ રેસ્ટોરાં ખુલ્લી રાખી શકશે, પરંતુ માત્ર ટેકઅવેની જ સુવિધા આપી શકશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારે રાત્રે 10 વાગ્યા બાદ ટેકઅવેની છૂટ આપી છે તે મુજબ રાજકોટમાં પણ છૂટછાટ મળશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
રાજકોટના લોકો મોડી રાત્રે ભોજન અને નાસ્તો કરવાના શોખીન છે. રાત્રે આઇસક્રીમ, ગાંઠિયા સહિતનો નાસ્તો કરવા માટે લોકો બહાર નીકળે છે, પરંતુ લોકડાઉન બાદ સરકારે ક્રમશ: છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. અનલોક-3માં હોટેલ, રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે સરકારે ટેકઅવે માટે સમયની અવધિ દૂર કરી નાખી છેે. જેના પગલે હોટેલ રેસ્ટોરન્ટની વ્યાખ્યામાં આવતા તમામ ધંધાર્થીઓ પાર્સલ આપી શકશે. જો કે ગ્રાહકોને પોતાની રેસ્ટોરન્ટમાં બેસી રાત્રે 10 વાગ્યા બાદ નાસ્તો કરવાની છૂટ આપવામાં આવી નથી. રાત્રે 10 વાગ્યા બાદ કોઇ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો નાસ્તો કરતા જોવા મળશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે.