મુંબઈથી ડ્રગ્સ લાવી રાણાવાવમાં સપ્લાય કરે તે પહેલાં જ દબોચી લઈ 17.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ સહિત ગુજરાતભરમાં યુવાધનોને ડ્રગ્સના રવાડે ચડાવવા પેડલરો બેફામ બન્યાં છે ત્યારે રાજકોટ એસઓજીએ નવા રિંગ રોડ ઉપર બાતમી આધારે વોચ ગોઠવી 12.89 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાણાવાવના શખ્સને દબોચી લઈ 128 ગ્રામ મેફેડ્રોન અને કાર મળી રૂ.17.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં પોતે મુંબઈથી ડ્રગ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી કાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયા દ્વારા યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા”SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ફિરોજ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે નવા 150 ફુટ રીંગ રોડ ઉપર હોટલ રોયલ રીટ્રીટની બાજુમાં વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેઈટ પાસે વોચ ગોઠવી કારમાંથી માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી તેનું નામઠામ પૂછતાં પોતે રાણાવાવ રહેતો મુસ્તાક રજાક શેખ ઉ.33 હોવાનું જણાવ્યું હતું એસઓજીની ટીમે આરોપી પાસેથી 128.9 ગ્રામ એમડી જેની કિમત 12.89 લાખ થતી હોય તે ડ્રગ્સનો જથ્થો, કાર મળી કુલ રૂ.17.95 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પૂછતાછ કરતાં પોતે મુંબઈ તરફથી મેફેડ્રોન લઈ આવી રાણાવાવ લઈ જઈ ત્યાં જ સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું ઉપરાંત અગાઉ પણ આરોપી વિરુદ્ધ જામનગર પંચ એ.ડિવિઝન અને બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ એનડીપીએસના ગુના નોંધાયેલ છે.



