એકરંગ સંસ્થાના 25માં સ્થાપના દિવસની ઉજવણી; 100 દિવ્યાંગ બાળકોના માતા-પિતાનું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ’એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ’ દ્વારા સંસ્થાના 25માં સ્થાપના દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર દિવ્યાંગ બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલા ’સેન્સરી ગાર્ડન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંસદ સભ્ય શ્રી પરસોતમભાઈ રૂપાલા અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ ગાર્ડનને બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનોદિવ્યાંગ દીકરીઓએ પરંપરાગત રીતે મહેમાનોનું સ્વાગત કરીને સૌના દિલ જીતી લીધા હતા.
સંસ્થાના સંચાલક શ્રી દિપીકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ગાર્ડન 0 થી 10 વર્ષ સુધીના મનોદિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટી ડિસેબલ બાળકો માટે આશીર્વાદરૂપ બનશે. સેન્સરી ગાર્ડનમાં બાળકો કુદરતી વાતાવરણમાં રમતા-રમતા પોતાની પાંચેય ઇન્દ્રિયોનો વિકાસ કરી શકશે. આ એક પ્રકારની કુદરતી થેરાપી છે જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. 26 જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ હાજરી આપી હતી, જેમાં 100 જેટલા માતા-પિતાનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી પરસોતમભાઈ રૂપાલાએ સંસ્થાના સેવાકાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, જે રીતે ભગીરથ રાજા પૃથ્વી પર ગંગાજીને લાવ્યા હતા, તેમ દિપીકાબેન રાજકોટમાં દિવ્યાંગ બાળકોના વિકાસ માટે આ સેન્સરી ગાર્ડન લાવીને એક ભગીરથ કાર્ય કર્યું છે. ઉદ્યોગપતિઓ અને દાતાઓના સહયોગથી આકાર પામેલા આ સંકુલમાં દિવ્યાંગ બહેનો માટે નિ:શુલ્ક રહેવા અને તાલીમની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. એકરંગ પરિવારના આ પ્રયાસનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવી સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો છે.



