સ્વ. પારુલબેન દિનેશભાઈ ત્રિવેદીના સ્મરણાર્થે 1 ડિસેમ્બરથી કેમ્પ શરૂ; જરૂરિયાતમંદ દર્દીઓને કૃત્રિમ પગ બેસાડાશે અને જૂના સાધનોનું રિપેરિંગ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર રહેતી સરગમ ક્લબ દ્વારા સ્વ. પારુલબેન દિનેશભાઈ ત્રિવેદીના સ્મરણાથે અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પ તા. 01/12/2025 (સોમવાર) થી 03/12/2025 દરમિયાન યોજાશે. કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તા. 01/12/2025ના રોજ સવારે 8:00 કલાકે સરગમભવન, જામટાવર રોડ, નવી કલેક્ટર કચેરીની બાજુમાં, રાજકોટ ખાતે રૂબરૂ હાજર રહેવું. દર્દીઓએ પોતાની સાથે ફોટોવાળું સરકાર માન્ય ઓળખપત્ર (આધાર કાર્ડ) અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ અવશ્ય લાવવાની રહેશે. જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે અને રિપેરિંગ કરાવવાનું હોય, તેઓએ પણ તા. 01/12/2025 ના રોજ સવારે 8:00 કલાકે ઉપસ્થિત રહેવું. આ કેમ્પની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, દિનેશભાઈ ત્રિવેદી પરિવાર, કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી, રશ્મીભાઈ કમાણી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



