માહી ડેરીનું દૂધ ચોરી ભેળસેળ કરી બારોબાર વેંચી દેતા હતા
6 શખ્સોને દબોચી લઈ 24.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
જેતપુર જુનાગઢ હાઇવે ઉપર દૂધ ચોરીના કૌભાંડનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે આરોપીઓ 10 હજાર લીટરના ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢી, 500 લીટર પાણી ઉમેરી બારોબાર વેચી દેતા હતા સુરેન્દ્રનગરથી જૂનાગઢ ડેરીમાં દૂધની સપ્લાય થતી હતી. પોલીસે 24.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના અન્વયે એલ.સી.બી. પીઆઈ વી.વી. ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાણ મળેલી બાતમી આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે દરોડો પાડી માહી ડેરીના દુધના ટેન્કરમાંથી દુધની ચોરી કરી દુધમાં ભેળસેળ કરતા છ શખ્સને દબોચી લીધા હતા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી યોગ્ય પરીક્ષણ કરી ગુન્હો નોંધવામાં આવ્યો હતો પોલીસે જુનાગઢના હીરા ગોવિંદ કલોતરા, જસા ગોવિંદ કલોતરા, અર્જુન રમેશ ભારાઇ, વારાણસીના બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા, રાજુ ગુલાબ યાદવ અને જેતપુરના ભીખુ ઘેલા રામાણીની ધરપકડ કરી છે જ્યારે બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઇ કોડીયાતર ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસે એક ટેન્કરમાંથી 11,925 લીટર દૂધ અને બીજા ટેન્કરમાંથી 16,820 લીટર દૂધ, બોલેરો પીકપમાંથી 500 લીટર દુધ મળેલ. 7 મોબાઈલ ફોન, 4 પ્લાસ્ટિકના ટાંકા, 4 ઇલેક્ટ્રીક મોટર મળી કુલ રૂ.24,43,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.