ડ્રાઇવિંગ સ્કૂલોએ RTOમાં નોંધ કરાવી ન હતી: વાહનોમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ જોવા મળતા તે અંગેની કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે મંગળવારે આરટીઓ કચેરીએ હાથ ધરેલી તપાસમાં ગેરરીતિઓ જણાતા પાંચ ડ્રાઇવિંગ સ્કૂલના વાહનો ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ અંગે અગાઉ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. જે ફરિયાદને પગલે આરટીઓ કેતન ખપેડ દ્વારા તેમના અધિકારીઓને રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલતી ડ્રાઇવિંગ સ્કૂલ પર તપાસ કરવા આદેશ કર્યા હતા. થોડા દિવસ પહેલાં જ તપાસ દરમિયાન ડ્રાઇવિંગ સ્કૂલમાં અનેક ગેરરીતિઓ જોવા મળતા કાર્યવાહી કરી હતી.
આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર કે.ડી.ઝાલા, વી.બી.પટેલ સહિતના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતું. તપાસ દરમિયાન સિયા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, ઓમ શ્રી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, પૂજા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, પ્રજાપતિ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અને ક્રિએટર મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ચાલતા વાહનોની કચેરીમાં કોઇ નોંધ કરવામાં આવી ન હતી. એટલું જ નહિ તે વાહનોમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ જોવા મળતા તે અંગેની કાર્યવાહી કરી પાંચે વાહનો ડિટેન કર્યા છે. ઉપરોક્ત પાંચેય ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો પાસે દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરી છે. ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરાશે તેમ આરટીઓ ખપેડે જણાવ્યું છે.