ત્રણ લોકો કાટમાળમાં દટાયા, બે ઈજાગ્રસ્ત, શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના લક્ષ્મીવાડીમાં નિખિલભાઈ ટાંકના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું છે. રિનોવેશન દરમિયાન મકાનનું છજુ ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળમાં દટાયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ આ ઘટનામાં કડિયાકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે બે વ્યક્તિને બહાર કઢાતા તેમને ઇજા પહોંચી હોય બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
- Advertisement -
લક્ષ્મીવાડી 21માં નિખિલભાઈ ટાંકનું ઘર આવેલું છે. આ ઘરના રિનોવેશનનું કામ મૂળ મધ્યપ્રદેશના બબલુભાઈ મોહનિયા અને તેમનો પરિવાર કરી રહ્યો હતો. પરંતુ આજે ઉપરના માળનું છજુ અચાનક ધરાશાયી થયું હતું. આથી નીચે કામ કરી રહેલા બબલુભાઈ, મકાન માલિક નિખીલભાઈ અને અન્ય એક વ્યક્તિ કાટમાળ હેઠળ આવી ગયા હતા. જો કે ફાયર વિભાગે નિખીલભાઈ અને અન્ય વ્યક્તિનો બચાવ કર્યો હતો. જ્યારે બબલુભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાદમાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.