ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અને કારખાનામાં મજૂરી કરતા પ્રૌઢ પાસેથી 8 હજાર પડાવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે બુધવારે ભરબપોરે પોલીસની ઓળખ આપી પ્રૌઢને લૂંટી લેનાર દૂધસાગર રોડ પર રહેતા નિવૃત્ત પોલીસમેન પુત્રની ધરપકડ બાદ જેલહવાલે કરાયો છે. ભોગ બનનાર પ્રૌઢ પાસે આરોપીની ઓળખ પરેડ કરાવવા માટે પોલીસ ફરીથી જેલમાંથી કબજો મેળવશે.
ભક્તિનગર પોલીસના સૂત્રોએ આપેલી માહિતિ મુજબ આરોપીનું નામ ઓસમાણ ઈશાક ખેબર (ઉ.વ.37, રહે. દૂધ સાગર રોડ, હાઉસિંગ બોર્ડના કવાર્ટર) છે. તે નિવૃત પોલીસમેન ઈશાકભાઈ ખેબરનો પુત્ર છે. જે ફરિયાદ નોંધાઇ છે તેમાં રાજેશભાઈ ચમનભાઇ ગૌસ્વામી (ઉ.વ.53)એ જણાવ્યું કે, બુધવારે કારખાનામાં રજા હોવાથી તે ઘરના કામ પૂરા કરવા માટે બપોરે ઘરેથી નીકળ્યા હતા. ગેસની ઓફિસે બિલ ભરી કોર્ટનું કામ પતાવી પગપાળા ભૂતખાના ચોક આવેલ. બપોરે પોણા ત્રણ વાગ્યા આસપાસ રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યા હતા. ઢેબર રોડ પર પહોંચતા એક એક્ટિવા પર આવેલ શખ્સે રિક્ષાને અટકાવી સીધું જ રાજેશભાઇને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. રિક્ષામાંથી બહાર કાઢી હું ક્રાઈમ બ્રાંચમાં છું, તને પૂરી દઇશ તેમ બળજબરીથી એક્ટિવામાં બેસાડી નાગરિક બેંક પાછળની ગલીમાં લઇ ગયેલ ત્યાં ધોલ ધપાટ કરી તારી પાસે છે તે બધા રૂપિયા આપી દે નહિ તો તને પૂરી દઇશ, આ કેસમાં જામીન પણ નહિ મળેની ગર્ભિત ધમકી આપી હતી. જેથી પોતે ગભરાઈ જતા ખિસ્સામાં રહેલા રૂ.500ના દરની રૂ.8 હજારની રોકડ કાઢતા તે ઝૂંટવી લીધા હતા અને હું પોલીસની ગાડીમાં નીકળો ત્યારે તું ઓલી મહિલા સાથે વાત કરતો હતોને તેવું કહી તેનું એક્ટિવા લઇને જતો રહ્યો હતો.
જે પછી રાજેશભાઈએ વકીલને ફોન કરી વાત કરતા તેમને કમિશનર કચેરીએ જવાનું કહેતા પોતે તુરંત ત્યાં ગયા હતા. ત્યાંથી પોતાને ભક્તિનગર પોલીસ મથક લઈ ગયા હતા. ફરિયાદ નોંધાવતા જ પોલીસે તપાસ આદરી હતી. આરોપીના વર્ણનમાં આશરે 40 વર્ષની ઉમરના મજબૂત બાંધાના શખ્સનો ઉલ્લેખ કરેલ. સીસીટીવી તપાસી પીએસઆઈ વસાવા અને તેની ટીમે ઓસમાણની ઓળખ મેળવી તેને દબોચી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે, ઓસમાણ અગાઉ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઓસમાણને રાજેશભાઇ મજૂર વર્ગના નબળા વ્યક્તિ દેખાતા તેણે કીમિયો અજમાવી લૂંટ ચલાવી હતી. અન્ય કોઈ વ્યક્તિ સાથે આરોપીએ આ પ્રકારે રૂપિયા પડાવ્યા છે કે કેમ? તે તપાસ પોલીસ કરી
રહી છે.
રાજકોટ : લૂંટ કેસમાં નિવૃત્ત પોલીસમેનનો પુત્ર જેલહવાલે



