એડવાન્સ ટેક્સ ભરવાનાછેલ્લા દિવસે 24 કલાકમાં મનપાને 5.81 કરોડની આવક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રથમ તબકકો ગઇકાલે પૂરો થતા આ સમયગાળા દરમ્યાન મનપાને ટેકસની 107.ર6 કરોડની આવક થઇ છે. તો નાગરિકોને 10 કરોડ જેટલું વળતર મળ્યું છે. ગઇકાલે એડવાન્સ ટેક્સ ભરવાના છેલ્લા દિવસે 24 કલાકમાં મનપાને 5.81 કરોડની આવક થઈ છે. મનપા દ્વારા વેરા વળતર યોજના હેઠળ આ વર્ષે 6 એપ્રિલથી એડવાન્સ ટેક્સ વસુલવાની શરૂઆત થઈ હતી. જ્યાં ગત તારીખ 30 જૂન સુધીના ત્રણ મહિનામાં 2,00,238 નાગરિકોએ 107.26 કરોડનો વેરો ભર્યો છે. જેમાંથી અર્ધાથી વધુ એટલે કે 1,14,091 લોકોએ ઓનલાઇન 55 કરોડનો વેરો જમા કર્યો છે. રોકડથી 28 કરોડ અને ચેકથી 24.16 કરોડની આવક થઇ છે. આ વર્ષે પણ ઓનલાઇન ટેકસ ભરનારા નાગરિક વધ્યા છે.
હવે આજથી જુલાઇ મહિનામાં પુરૂષ આસામીને 5 ટકા અને મહિલા આસામીને 10 ટકા વળતર ચાલુ રહેશે. હાલ રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ ખાતે મિલકત વેરાની રોકડ અને ચેકથી વસૂલાત શરૂ કરવામાં આવશે. હાલ મનપાના ત્રણેય સિવિક સેન્ટર અને ત્રણેય ઝોન કચેરી ખાતે મિલકત વેરાની વસૂલાત થાય છે. આ ઉપરાંત અરજદારો ઓનલાઇન પણ ટેક્સની ચુકવણી કરી શકે છે.