રક્ષાબંધન નજીક હોય ત્યારે જ સર્વર ડાઉનથી રાખડી સમયસર નહીં પહોંચે…
અરજદારો પૈસા ઉપાડવા, મૂકવા, પાર્સલ સહિતની કામગીરીમાં કલાકો સુધી બેસી રહ્યા
- Advertisement -
હજુ બે-ત્રણ દિવસ આ સમસ્યા રહે તેવી સંભાવના : સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ બુલકર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી 2.0 મંગળવારથી લાગુ થઇ ગઇ છે ત્યારે તેની ટ્રાયલ માટે નવો સોફ્ટવેર રોલઆઉટ કરવા સોમવારે પોસ્ટ વિભાગે તજવીજ હાથ ધરતાં રાજકોટ સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસના સર્વર ઠપ થઇ ગયા હતા અને પોસ્ટલ સેવાઓ ખોરવાઇ ગઇ હતી. જો કે સતત બીજા દિવસે સર્વર ડાઉન થતા હજારો અરજદારોને પૈસા ઉપાડવા, મૂકવા તેમજ ટ્રાન્સફર કરવા અને પાર્સલની નોંધણી કરવા સહિતની કામગીરીમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યુ હતુ. આ ઉપરાંત રક્ષાબંધન નજીકમાં છે. અત્યારે રાખડી મોકલવાનું પ્રમાણ વધારે હોય છે. તેવા જ સમયે સર્વર ડાઉન રહેતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે રાજકોટ પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ એસ.કે.બુલકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવસારી, મહેસાણા અને રાજકોટમાં નવા સોફ્ટવેરની અમલવારી થઈ છે. નવો સોફ્ટવેર અપડેટ થવાને કારણે હાલમાં સિસ્ટમ ખોરવાઈ છે. આ તકલીફ હજુ બે-ત્રણ દિવસ રહે તેવી સંભાવના છે. એકવાર સોફ્ટવેર કાર્યરત થયા બાદ તમામ કામગીરી સરળ અને ખૂબ જ ઝડપી બનશે. આ સિવાય પોસ્ટ ઓફિસ દ્વારા એવી પણ સેવા લોન્ચ કરવામાં આવી રહી છે કે, જો કોઇ પણ વ્યક્તિને 500-1000 કે તેથી વધુ બલ્કમાં પાર્સલ પહોંચાડવાના હશે તો તેને તે લઇને પોસ્ટ ઓફિસે લઈને આવવાની જરૂર નહિ પડે. નજીકની પોસ્ટ ઓફિસમાં જાણ કરવામાં આવશે તો ટીમ જે તે સ્થળે પહોંચશે અને ત્યાંથી પાર્સલ લઈ જાશે. આ સિવાય નવા સોફ્ટવેરની અમલવારી બાદ જો કોઈએ પાર્સલ મોકલ્યું છે તે પણ અને જેને પાર્સલ મગાવ્યું છે. તેને પણ પોતાની ચીજવસ્તુ ક્યાં સ્થળે પહોંચી છે તે જાણી શકાશે.