ધૂળેટીમાં જાહેરમાં રાહદારીઓ પર કલર, પાણીના ફુગ્ગાં ફેંકવાની મનાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી તારીખ 13 અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટી પર્વની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જાહેરમાં રાહદારીઓ ઉપર કલર, તૈલી પદાર્થ ફેકવાની મનાઈ ફરમાવી છે તેમજ લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે. પોલીસ કમિશનરના જાહેરનામાંમાં જણાવ્યા પ્રમાણે આ રંગોનો પર્વ હોય તે દરમિયાન જાહેર જગ્યાઓ ઉપરથી પસાર થતા પુરુષ, મહિલાઓ, બાળકો, રાહદારીઓ ઉપર કલર કે પાણી ભરેલા ફુગ્ગા કે કાદવ અથવા રંગ મિશ્રિત પાણી તેમજ તૈલી પદાર્થ ફેકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ જાહેર માર્ગો ઉપર અડચણરૂપ ઉજવણી કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ કોઈ કોમની લાગણી દુભાય તે રીતનું વર્તન નહિ કરવા જણાવાયું છે જાહેરમાં અડચણરૂપ વાહનો રાખી અકસ્માત થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરતા જણાશે તો તેની સામે જાહેરનામાં ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલીંગ પણ કરશે આ જાહેરનામું તારીખ 13થી 14 સુધી અમલમાં રહેશે.



