ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર PCBએ ફ્લેવરયુક્ત દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પર દરોડો પાડી ઓરેન્જ અને વરિયાળી ફ્લેવરવાળા દેશી દારૂ અને દેશી દારૂના પાઉચ સહિત કુલ 24,800નો મુદામાલ કબ્જે કરી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપી ભુપત જાદવની ધરપકડ કરી ફરાર આરોપી મહેશ ડાભીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર PCBને ચોક્કસ બાતમી મળી હતી કે, માંડા ડુંગર નજીક પીઠડ આઈ સોસાયટીમાં આવેલ એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે.
- Advertisement -
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ ભરવા માટે અલગ અલગ પાઉંચ મળી આવ્યા હતા. જેથી આરોપી ભુપત જાદવની ધરપકડ કરી સ્થળ પરથી 114 લીટર દેશી દારૂ, પંચશીલ મશીન, પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ, અને સ્વીટ ઓરેન્જ તેમજ વરિયાળી ફ્લેવરની કુલ 5 બોટલ સહિત રૂૂપિયા 24,800નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા અન્ય એક શખસનું નામ ખુલતા પોલીસે ફરાર આરોપી મહેશ ડાભીની શોધખોળ હાથ ધરી છે.