ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ ઠંડીમાં વધઘટ રહેવા પામી હતી. નલીયા, ભૂજ, રાજકોટ અને ડીસામાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જયારે, અન્ય સ્થળોએ સામાન્ય તાપમાન રહેવા પામ્યું હતું. આજરોજ સવારે કચ્છના નલીયા ખાતે 11.4 ડિગ્રી સાથે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. તથા રાજકોટમાં સવારે 6 કી.મી.ની ઝડપે ઠંડા પવન સાથે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજકોટવાસીઓએ પણ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.
આ ઉપરાંત ભૂજમાં 13.7 ડિગ્રી અને ડીસામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે, અમદાવાદમાં 16.3, વડોદરામાં 15.2, ભાવનગરમાં 16.8, દમણમાં 15.6, દિવમાં 18, દ્વારકામાં 16.6, ગાંધીનગરમાં 15.4, કંડલામાં 16 ડિગ્રી તેમજ ઓખામાં 21.8, પોરબંદરમાં 15.6, સુરતમાં 17.4, સુરેન્દ્રનગરમાં 14.8, તથા વેરાવળ ખાતે 19.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે જામનગરમાં સતત લઘુતમ તાપમાનનો પારો 16ની આસપાસ રહ્યો હતો તો પવનની ગતિ પ્રતિકલાક 6.1ની રહેતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો જો કે આકાશ સ્વચ્છ રહેતા સૂર્યનારાયણના સવારના તાપની મજા લીધી હતી.