આ ક્રિકેટ કેમ્પનું આયોજન સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કરવામાં આવે છે: જીમ્મીભાઇ દક્ષીણી
અત્યારના શહેરીકરણના સમયમાં બાળકોને શારીરિક સ્વસ્થ રાખવા મોટી ચેલેન્જ છે : ડૉ. નિલાંબરીબેન દવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજિત 26 મા નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનો શુભારંભ સમારોહ યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશેષ સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં અસંખ્ય તાલીમાર્થીઓ નિયમિત તાલીમ લઇ રહ્યા છે.
ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને રાજકોટ એકબીજાના પર્યાય બની રહ્યા છે. આપણા ત્યાં ટીવીમાં ક્રિકેટ ચાલતું હોય ત્યારે નાના-મોટા અને વૃદ્ધો પણ ક્રિકેટ મેચ જોવા માટે બેસી જતાં હોય છે. ઘણા બધા બાળકો તો બેટ અને બોલ સાથે લઇને ક્રિકેટ મેચ જોતાં હોય છે. અત્યારના શહેરીકરણના સમયમાં બાળકોને ફીટ રાખવા, બાળકોના શરીરને મજબૂત રાખવા એ મોટી ચેલેન્જ છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ આત્માનો વાસ હોય છે. આત્માને આપણે ઇશ્ર્વરીય સ્વરૂપ માનીએ છીએ. ભારતમાતાની જય સાથે કાર્ય કરતાં બાળકોને જોઇને અહીંનું વાતાવરણ અદ્ભુત બની ગયું છે.’
- Advertisement -
નરેન્દ્રભાઇ દવેએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે પ્રભાત શાખામાં જાવ ત્યારે સહુ મને રમત વિશે બોલવાનું કહે. રમત મારો વિષય છે. નાના માણસની મોટી બેંક તો આ બેંકની એક ઓળખ છે પરંતુ નવુ એક સુત્ર આપીએ, નાના બાળકોની નાગરિક બેંક. બાળકો, તમારે કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો ત્રણ વાત મહત્વની છે, સાતત્ય, સમર્પણ અને આત્મવિશ્ર્વાસ, કોઇ પણ સંજોગોમાં આપણો આત્મવિશ્ર્વાસ ખોશું નહિ. જીત મળે કે ન મળે, પરંતુ, આત્મવિશ્ર્વાસ ગુમાવશો નહિ.’
જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના અનેક પ્રકલ્પો પૈકીના એક એટલે આ 26મો નિ:શુલ્ક કોચિંગ કેમ્પ છે. અહીં વહેલી સવારે આવતા દરેક બાળકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ કેમ્પ માટે ગોકુલ હોસ્પિટલના ડો. પ્રકાશભાઇ મોઢા તરફથી એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. કેમ્પ આવતા બાળકોને ક્રિકેટની તાલીમની સાથેસાથે વાલીઓ માટે યોગ ક્લાસ અને અન્ય આયોજન કરવામાં આવ્યું છે. બેંકની સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ક્રિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આપ પણ કેમ્પમાંથી તાલીમ લઇ ભવિષ્યના સ્ટાર ખેલાડી, કોચ બનો એ જ શુભકામના.’
રણજી ટ્રોફી કોચ વીરેન્દ્રભાઇ વેગડાએ જણાવ્યું હતું કે, ‘હું જ્યારે કેમ્પમાં તાલીમ લેવા જતો ત્યારે વહેલી સવારે મારા માતાએ મને ક્યારે ઉઠાડ્યો ન હતો, મારી જાતે જ ઊઠી જતો. તમારી દિનચર્યા કેમ ગોઠવવી એ તમારા હાથમાં હોય છે. તમારે શું કરવું એ બહુ જ મહત્ત્વનું છે.’ કૌશિકભાઇ અઢીયાએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે, ‘આપણી બેંકના ક્રિકેટ કોચિંગ કેમ્પમાં અત્યાર સુધી 30 હજારથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. છેલ્લા 26 વર્ષથી સતત ચાલતા આ કેમ્પનું દરેકના મનમાં એક આગવું સ્થાન છે. ક્યારે કેમ્પ શરૂ થશે તેવી પૃચ્છા પરીક્ષા શરૂ હોય ત્યારથી જ સહુ કરતા હોય છે. અહીં તાલીમ પામેલ બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે રમી ચૂક્યા છે.’
આ સભારંભમાં ડો. નિલાંબરીબેન દવે (વાઇસ ચાન્સેલર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), નરેન્દ્રભાઇ દવે (સહવ્યવસ્થા પ્રમુખ-સૌરાષ્ટ્ર પ્રાંત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ટ્રસ્ટી-સેવાભારતી-ગુજરાત), વીરેન્દ્રભાઇ વેગડા (કોચ-રણજી ટ્રોફી) ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), બેંકના ડિરેકટરગણમાંથી દીપકભાઇ મકવાણા (પ્રોજેક્ટ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા (પ્રોજેક્ટ ડીરેકટર), અશોકભાઇ ગાંધી (પ્રોજેક્ટ ડીરેકટર), ચંદ્રેશભાઇ ધોળકીયા, દિનેશભાઇ પાઠક, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ભવાનીસિંહ રાઠોડ (એ.જી.એમ.-બેંકિંગ), જયેશભાઇ છાટપાર (એ.જી.એમ.-આઇ.ટી.), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), વિપુલભાઇ દવે-જીજ્ઞેશભાઇ દવે-અજયભાઇ ચાવડા (વહીવટી ઇન્ચાર્જ), હિતેશભાઇ ચોક્સી-કમલેશભાઇ રાઠોડ-સચિનભાઇ ઘેલાણી (સંયોજક), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર), વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારદર્શન દીપકભાઇ મકવાણાએ અને સરળ-સફળ સંચાલન ભરતભાઇ કુંવરીયાએ ર્ક્યું હતું.