આજથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીયાનું આયોજન: વોર્ડ નં.1 અને 2માં સ્વચ્છતા ઝુંબેશની કામગીરી કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
2જી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી કરવામાં આવે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ-2023ની પ્રસ્તાવના તરીકે સ્વચ્છતા હી સેવાના પખવાડીયાનું આયોજન તા.15/09/2023 થી તા.02/10/2023 સુધી કરવામાં આવેલું છે. જેમાં, વન ડે ટુ વોર્ડ એટલે કે એક દિવસે બે વોર્ડમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ સ્વચ્છતા ઝુંબેશમાં વોર્ડ વાઈઝ આવતા જાહેર સ્થળો જેવા કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળો, બગીચાઓ, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો વગેરે સ્થળોએ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા ઝુંબેશની સાથોસાથ વોર્ડમાં મચ્છર ઉત્પતિવાળા સ્થળોએ ફોગીંગ, ખકઘ છંટકાવ, મચ્છરના પોરાનો નાશ કરવો, પાણી ભરેલા પાત્રો હોય તો પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, ડ્રેનેજ સફાઈ તેમજ વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગતઆજે વોર્ડ નં.1 અને વોર્ડ નં.2માં સ્વચ્છતા ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.