સાગઠિયાનું વધુ એક ભોપાળું છતું થયું: રાજકોટમાં ઇમ્પેક્ટ ફીના નામે સ્કૂલ-કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવા
છૂટોદોર આપ્યો હતો!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની એક પછી એક કાળી કરતૂતો સામે આવી રહી છે. ત્યારે સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ઇમ્પેકટ ફીનાં નામે સ્કૂલો અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટોદોર અપાયો હોવાનું સામે આવ્યું છે. હાલ 80 જેટલા સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલ બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું ખુલ્યું છે. જેને લઈને હવે મનપા તંત્ર દ્વારા આવા તમામ જોખમી બાંધકામો માટે ભરાયેલી ઇમ્પેક્ટ ફી પરત કરી બાંધકામો હટાવવામાં આવનાર છે. મનપાનાં પૂર્વ ટીપીઓ સાગઠિયા હાલ જેલમાં છે. તેણે અગાઉ ઇમ્પેક્ટ ફી હેઠળ આવા અનેક જોખમી બાંધકામ કાયદેસર કરી આપ્યા હતા. ખરેખર ઇમ્પેક્ટ ફી રેગ્યુલર બાંધકામમાં થતા ફેરફાર માટે હોય છે, પરંતુ સાગઠિયા દ્વારા રૂપિયા કમાવા માટે અનેક સ્કૂલ-કોલેજોનાં ડોમ ઇમ્પેક્ટ ફીનાં કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવ્યા હતા. આ કારણે બિનકાયદેસર રીતે અનેક સ્કૂલોએ પ્લાસ્ટિકનાં ડોમ ખડકી ઇમ્પેક્ટ ફી ભરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ફાયર એનઓસી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂલ-કોલેજો, હોસ્પિટલો-રેસ્ટોરન્ટો સહિતનાં સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ફાયર એનઓસી, ફાયરનાં સાધનો ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ઝુંબેશમાં સાગઠિયાના કાળમાં સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ સહિતનાં સ્થળે ઇમ્પેક્ટ ફી હેઠળ જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે આગામી દિવસોમાં હોસ્પિટલ, સ્કૂલો અને કોલેજનાં આવા 80 ડોમ તોડી પાડવા કોર્પોરેશન કાર્યવાહી કરશે.
સાગઠિયાએ અનેક બાંધકામોને કાયદેસર કર્યા: કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?: કોંગ્રેસ
આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 700 કરતા વધુ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે. જે સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રોનાં માટે જોખમી છે. રજૂઆત બાદ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને મનપા દ્વારા આવા ડોમ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પણ આવી સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? સાગઠિયાએ રૂપિયા બનાવવા માટે લોકોની સુરક્ષા સાથે ચેડા કર્યા છે. ત્યારે આવા ડોમની ઇમ્પેક્ટ ફી રદ્દ કરી આવા બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં આ પ્રકારના જોખમી બાંધકામો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.