બધાને રૂ. 250 લેખે દંડ: પગપાળા જતા થૂંકે તેને પકડવાની કોઇ વ્યવસ્થા નથી
મનપાનાં મેમોનો કોઈ ભય ન હોય તેમ મોટાભાગના લોકો દંડ ભરવાનું ટાળી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂ.250નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મનપાએ સાતેક વર્ષમાં સાડા સાત હજાર કરતા વધુ લોકોને રૂ. 19 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. પરંતુ સીસીટીવીના નેટવર્ક મારફત આપવામાં આવેલા મેમો લોકો ભરતા નથી. જેને લઈને આ પૈકી માત્ર 30 ટકા એટલે કે રૂ. 6.65 લાખની જ વસુલાત થઈ છે. એટલું જ નહીં જો કોઈ પણ વ્યક્તિ પગપાળા જતો હોય અને તે જાહેર રસ્તા ઉપર થૂંકે તો તેને પકડવાની કોઈ વ્યવસ્થા મનપા પાસે નથી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોને આવરી લેતાં કુલ 1 હજાર કેમેરા ફીટ કર્યા છે. જેનું સંચાલન કરવા માટે 24 કલાકનો ક્ધટ્રોલરૂમ કાર્યરત છે. આ સિસ્ટમનો ઉપયોગ પોલીસ ગુનેગારોને પકડવા તો મનપા સ્વચ્છતા જાળવવા માટે કરે છે. આ સિસ્ટમને 7 વર્ષ પૂર્ણ થયા છે. અત્યારસુધીમાં કુલ 7,578 લોકો જાહેરમાં થૂંકતા કેમેરામાં કેદ થતા બધાને રૂ. 250 લેખે કુલ રૂ. 18,94,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે મનપાનાં આ મેમોનો કોઈ ભય ન હોય તેમ મોટાભાગના લોકો આ દંડ ભરવાનું ટાળી રહ્યા છે.
ક્ધટ્રોલરૂમની કામગીરી સંભાળતા વત્સલ પટેલે જણાવ્યું હતું કે, મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે વાહન ઉપર બેસીને રસ્તામાં થૂંકતા લોકો પર ખાસ નજર રખાઈ રહી છે. છેલ્લાં સાત વર્ષથી રાજકોટમાં કેમેરા મારફતે દંડનો મેમો મોકલવાની વ્યવસ્થા અંતર્ગત અત્યારસુધી 7578 લોકોને મેમો મોકલાયા છે. એક વ્યક્તિનાં રૂપિયા 250 લેખે અત્યારસુધીમાં રૂ. 18,94,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આ પૈકી માત્ર 2662 નાગરિકોએ કુલ રૂ. 6,65,500 જ ભરપાઈ કર્યા છે. એટલે કે, લગભગ 30% લોકો પાસેથી જ દંડ વસુલાયો છે. બાકીના 70% પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જે વ્યવસ્થા કાર્યરત છે. તેમાં માત્ર વાહનના નંબર ઉપરથી રસ્તા પર થૂંકનારા વ્યક્તિનું સરનામું શોધવામાં આવે છે. બાદમાં સરનામા પર મેમો મોકલવામાં આવે છે. એટલે જો કોઈ પગપાળા પસાર થતા હોય અને જાહેરમાં રસ્તા પર થૂંકે તો તેમને મેમો ફટકારી શકાય તેવી કોઈ પણ વ્યવસ્થા હાલ કરાઈ નથી. જોકે, શહેરમાં સ્વચ્છતા જાળવવા મનપા દ્વારા આગામી સમયમાં આ દિશામાં શું કાર્યવાહી કરી શકાય તેના માટેની વિચારણા ચાલી રહી છે.
- Advertisement -
પગપાળા જનાર વ્યક્તિ થૂંકે તો તેને પણ પકડી શકાય !
મનપા અને પોલીસ વચ્ચે સંકલન છે. તેનો ઉપયોગ કરીને પગપાળા જનાર વ્યક્તિ રસ્તા ઉપર થૂંકે તો તેને પણ ઝડપી શકાય છે. જેમાં કોઈ પગપાળા જનારી વ્યક્તિ જાહેરમાં થૂંકે કે તુરંત જ મનપાના ક્ધટ્રોલરૂમમાંથી ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવે. ટ્રાફિક પોલીસ પગપાળા પસાર થનારી વ્યક્તિને અટકાવી ત્યાં જ મેમો આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે. આવું થાય તો મેમો અને દંડની રકમ અનેક ગણી વધી શકે છે. તેમજ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ પણ લાવી શકાય તેમ છે.