ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 નાઈટ ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-24 અંતર્ગત મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવનની ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ યોજાઈ હતી.
ભાવનગર મેયર ઈલેવન તથા રાજકોટ મેયર ઈલેવન વચ્ચે પ્રથમ મેચ સરદાર પટેલ સ્ટેડીયમ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે રવિવારના રોજ સાંજે 5-00 કલાકે યોજાઈ હતી. જેમાં પુષ્કરભાઇ પટેલ 109 રન સાથે મેન ઓફ ધ મેચ ઘોષિત થયા અને મકબુલભાઈ દાઉદાણી દ્વારા 72 રન કરવામાં આવ્યા અને પરેશભાઈ આર. પીપળીયાએ 4 વિકેટ ઝડપી હતી. રાજકોટ મેયર ઈલેવન ટીમ દ્વારા 20 ઓવરમાં 246 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને ભાવનગર મેયર ઈલેવન સામે 115 રનથી ભવ્ય જીત હાંસલ કરી સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. મેયર ઈલેવન ટીમ રાજકોટ તથા ટીમ અમદાવાદ વચ્ચે સેમી ફાઈનલ મેચ સરદાર પટેલ સ્ટેડીયમ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે તા. 30 સાંજે 7-00 કલાકે રમાશે. ભાવનગર કમિશનર ઈલેવન તથા રાજકોટ કમિશનર ઈલેવન વચ્ચે પ્રથમ મેચ ગુજરાત કોલેજ એલીસ બ્રીજ ગ્રાઉન્ડ ખાતે તા. 28-01 રવિવારના રોજ સવારે 12-00 કલાકે યોજાઈ હતી જેમાં ભાવનગર કમિશનર ઈલેવન ટીમ દ્વારા 121 રનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ, જે રાજકોટ કમિશનર ઈલેવન દ્વારા 14.1 ઓવરમાં જ પૂર્ણ કરી ભવ્ય જીત હાંસલ કરી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. કમિશનર ઇલેવનમાં 2 વિકેટ ઝડપી 62 રન સાથે જયભાઈ ચૌહાણ મેન ઓફ ધ મેચ ઘોષિત થયેલ. કમિશનર ઈલેવન ટીમ રાજકોટ તથા ટીમ અમદાવાદ વચ્ચે સેમી ફાઈનલ મેચ ગુજરાત કોલેજ એલીસ બ્રીજ ગ્રાઉન્ડ ખાતે તા. 30 સવારે 09:00 કલાકે રમાશે. મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવન ટીમ બંને ટીમોને ક્વાર્ટર ફાઈનલમાં ભવ્ય જીત હાંસલ કરી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તરફથી અભિનંદનસહ આગામી મેચમાં ભવ્ય પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.