ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 17મા વર્ષે ભવ્ય આયોજન
વૈદિક પરંપરામાં વિશેષ મહત્વ ધરાવતા દત બાવનીના પાઠનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલારા અને ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓએ હાજરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના હૃદય સમા ડો. યાજ્ઞિક રોડ પર ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય ’રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન ચાલી રહ્યું છે. આ મહોત્સવમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ભરમાર છે. ભૂદેવ સેવા સમિતિના સ્થાપક અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય શ્રી તેજસભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દરરોજ આરતી, ભજન-કીર્તન અને સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
આજે મહોત્સવમાં એક ખાસ ધાર્મિક કાર્યક્રમ તરીકે દત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠને વૈદિક પરંપરામાં ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ગણેશજી અને ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ મેળવ્યા હતા.
આજના પવિત્ર ઋષિ પાંચમના દિવસે મહિલા મંડળ દ્વારા મા બહુચર માતાજીના આનંદના ગરબાનો પાઠ અને સ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેણે કાર્યક્રમમાં વિશેષ ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્યો શ્રી રમેશભાઈ ટીલારા અને શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લા સહિત રાજકીય અને વિવિધ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ ભૂદેવ સેવા સમિતિના સમાજહિતના પ્રયાસોની પ્રશંસા કરી.
સમિતિના સ્થાપક તેજસભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભક્તિ સાથે સેવાનો ભાવ” જ તેમની સમિતિનું મુખ્ય ધ્યેય છે. તેમણે જણાવ્યું કે ગણેશ મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે સમાજસેવાનું પ્રતીક પણ છે. તેમણે સૌને આવતીકાલે આયોજિત વિશેષ સુશોભન આરતીમાં પધારીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવવા આમંત્રણ પાઠવ્યું. ભૂદેવ સેવા સમિતિનું આ આયોજન ભક્તિ, ભવ્યતા અને સમાજસેવાનો અનોખો સમન્વય દર્શાવે છે.