ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે, શોરૂમમાં મૂકેલું ફર્નિચર આગમાં સ્વાહા
1 કિમી દૂર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
- Advertisement -
રાજકોટમાં રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 6 ફાયર ફાઈટર દોડી ગયા, 70 લાખનું ફર્નિચર બળીને ખાખ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે. ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
- Advertisement -
હાલ 60થી 70 લાખનું નુકસાન પહોંચ્યું છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, આજે મવડી આનંદ બંગલા ચોક પાસે રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં અમને આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. આથી તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી ગાડી મોકલી હતી. બાદમાં વધુ ધૂમાડા દેખાતા વધુ ગાડી બોલાવી હતી. આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બૂઝાવવામાં આવી રહી છે.
રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જો કે સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. કંપનીમાં 60 લોકો કામ કરે છે અને તમામ સુરક્ષિત છે. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓના વાહનો પણ આવ્યા છે. ત્રણથી ચાર ટુવ્હિલર બળીને ખાખ થઈ ગયા છે. આગ વધુ પ્રસરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. જો કે, ફાયર વિભાગ દ્વારા આગ બૂઝાવવાની કામગીરી ચાલી રહી છે. ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે. જો કે, પોલીસ દ્વારા લોકોને આગથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ગોડાઉનમાં ફર્નિચરની વસ્તુઓ હોવાથી વધુ પ્રસરી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.