તબીબી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ અને જટિલ સર્જરીઓ માટે મુંબઈ ખાતે રઘુવંશી સમાજની માતૃ સંસ્થા દ્વારા વિશેષ સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત ‘કઈંઇઋ બિઝનેસ એક્સ્પો-2026’ દરમિયાન પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મુંબઈના જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર ખાતે 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં તબીબી ક્ષેત્રે તેમના બહુમૂલ્ય યોગદાન બદલ આ ગૌરવશાળી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
ડો. હિમાંશુ ઠક્કરને તબીબી વ્યવસાયમાં તેમની નિષ્ઠા, જીવ બચાવતી અત્યંત જટિલ સર્જરીઓને સફળતાપૂર્વક પાર પાડવાની કુશળતા તેમજ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવતાવાદી અભિગમ માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સન્માન લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ધર્મપત્ની અમૃતા ફડણવીસ તેમજ જામનગરના શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના 35થી વધુ દેશોમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી અગ્રણીઓની હાજરીએ આ કાર્યક્રમને વૈશ્વિક ઓપ આપ્યો હતો. આ પ્રસંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતા ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, રઘુવંશીઓની માતૃ સંસ્થા એવી લોહાણા મહાપરિષદ દ્વારા મળેલું આ આંતરરાષ્ટ્રીય સન્માન તેમના માટે અત્યંત ગર્વની વાત છે. આ સિદ્ધિથી સમગ્ર રઘુવંશી સમાજ અને રાજકોટના તબીબી જગતમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.



